માંડવી: નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા બોડેલી થી વાપી સુધીના નેશનલ હાઈવે નંબર 56ના નવા એલાઈનમેન્ટ સામે માંડવી તાલુકાના ખેડૂતોએ તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. આ એલાઈનમેન્ટ મુજબ દેવગઢ વિસ્તારમાં આવેલા અંદાજે 100 કિલોમીટરના વળાંકને દૂર કરીને માર્ગને સીધો કરવામાં આવનાર છે.
આ નવા એલાઈનમેન્ટને કારણે માંડવી તાલુકાના બેડધા, બલેઠ્ઠી, દેવગઢ, ઇસર, વિસડાલીયા, જૂનવાણ, ફૂલવાડી, ગામતળાવ ખુર્દ, સરકુઈ, સઠવાવ અને આસપાસના અનેક ગામોની ફળદ્રુપ અને સારી ખેતીલાયક જમીનો અસરગ્રસ્ત થવાની શક્યતા દેખાઈ રાહી છે માટે સ્થાનિક ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સરવેના ચોથા દિવસે સઠવાવ, સરકુઈ, બેડધા અને કાકરાપાર વિસ્તારમાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન પણ કર્યું હોવાના દ્રશ્યો વાયરલ થયા હતા.
કાકરાપાર વિસ્તારમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈને વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતાં જમીન સંપાદનની કાર્યવાહીનો સખત વિરોધ કરી જમીન બચાવવાની માંગ કરી ત્યારે વિરોધને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો અને ઉચ્ચ અધિકારીઓએ ખેડૂતો સાથે વાતચીત કરીને તેમને સમજાવવાના પ્રયાસો થયા પણ બાદમાં પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે સરવેનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું હાલમાં વહીવટી તંત્રે અસરગ્રસ્ત ખેડૂતોને સરકારના નિયમો મુજબ યોગ્ય વળતર આપવામાં આવશે તેમ કહ્યું છે. જ્યારે ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે અમારો વિરોધ ચાલુ રેહશે એમ જણાવે છે.











