નવસારી: એસએસસી પૂરક પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થી ભૂલથી ખોટા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયો હતો. પરીક્ષાનો સમય નજીક આવતાં વિદ્યાર્થી ચિંતિત બની ગયો હતો. આવી પરિસ્થિતિમાં ફરજ પર હાજર મહિલા પોલીસ કોન્સ્ટેબલ અલ્પાબેન ચૌધરી તરત જ મદદ માટે આગળ આવ્યા હતા.
વિદ્યાર્થીની સમસ્યાને સમજીને તેમણે પોતાના ખાનગી વાહનમાં વિદ્યાર્થીને બેસાડી યોગ્ય પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચાડ્યો હતો. અલ્પાબેન ચૌધરીની સમયસૂચકતા અને માનવતાભર્યા અભિગમના કારણે વિદ્યાર્થી નિર્ધારિત સમયે પરીક્ષા આપી શક્યો હતો. પોલીસની ફરજ માત્ર કાયદો અને વ્યવસ્થાની જાળવણી પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમાજ પ્રત્યેની સંવેદના અને સેવા ભાવનાનું પણ ઉત્તમ ઉદાહરણ છે, તે વાત અલ્પાબેન ચૌધરીએ પોતાના આ કાર્ય દ્વારા સાબિત કરી છે.
હાલમાં સ્થાનિક લોકો તેમજ સોશિયલ મીડિયામાં પણ તેમના આ કાર્યની પ્રશંસા થઈ રહી છે. ફરજ સાથે માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડનાર મહિલા પોલીસ કોન્સ્ટેબલ અલ્પાબેન ચૌધરી અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.











