ખેરગામ: ખેરગામ તાલુકાના નાંધઈ ગામે ગત 16 મે 2025 ની રાત્રે એક મહિલાના અપહરણના પ્રયાસની બનેલી ઘટના બાદ હવે પોલીસની કામગીરી સામે ગંભીર પ્રશ્નાર્થો ઊભા થયા છે. આ મામલે પીડિતા અને તેના પતિ ભાવેશ પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તેમણે ખેરગામ પોલીસની નિષ્ક્રિયતા અને અયોગ્ય કાર્યવાહી અંગે ચોંકાવનારા આક્ષેપો કર્યા છે.
વાયરલ વીડિયોમાં ભાવેશ પટેલે જણાવ્યું હતું કે, ઘટના બાદ લાંબો સમય વીતી ગયો હોવા છતાં ખેરગામ પોલીસ દ્વારા મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. તેમણે આક્ષેપ કર્યો છે કે: ઘટના બન્યા બાદ શરૂઆતમાં પોલીસે ફરિયાદ ન નોંધવા માટે પરિવાર પર દબાણ કર્યું હતું અને ઈજ્જત-આબરૂ જવાનો ભય બતાવી કેસ ન કરવાની સલાહ આપી હતી. પરિવારની મક્કમતા છતાં આશરે એક સપ્તાહ સુધી માત્ર અરજીના આધારે જ તપાસ કરવામાં આવી હતી. આખરે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કર્યા બાદ પીઆઈ પીનલ ચૌધરી દ્વારા સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી હતી. મૂળ આરોપીને પકડવાને બદલે પોલીસે પૂછપરછના નામે પીડિતના સગાં-સંબંધીઓ અને મિત્રોને પોલીસ મથકે બોલાવી હેરાન કર્યા હતા, જેના કારણે તેમના સામાજિક સંબંધો પર પણ વિપરીત અસર પડી છે.
ભાવેશ પટેલે વધુમાં ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે, આરોપી હજુ સુધી પકડાયો નથી છતાં પોલીસે આ સમગ્ર પ્રકરણને કોર્ટ સમક્ષ રજૂ કરી ‘દફતરે’ (A/B/C સમરી) કરવા માટે અરજી કરી દીધી છે. આ વીડિયો વાયરલ થતાં જ સ્થાનિક પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. પીડિત પરિવારે ઉઠાવેલા આક્ષેપોને પગલે ખેરગામ પોલીસની તપાસની પારદર્શિતા અને તટસ્થતા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.











