મહારાષ્ટ્ર: તંત્રની ઘોર ઉપેક્ષા અને વચનોથી કંટાળેલા મહારાષ્ટ્રના તુલસી ગામના ખેડૂતોએ વિરોધ નોંધાવવા માટે એક અનોખો અને ચોંકાવનારો માર્ગ અપનાવ્યો છે. દાયકાઓથી સિંચાઈના પાણી માટે તરસતા ગ્રામજનોએ આખરે કંટાળીને ગામના પ્રવેશદ્વાર પર જ એક મોટું બોર્ડ લગાવી દીધું છે, જેના પર લખવામાં આવ્યું છે— “આ ગામ વેચવાનું છે.”
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ, પાક માટે જરૂરી સિંચાઈનું પાણી મેળવવા માટે તેઓ છેલ્લા ઘણા દાયકાઓથી સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. શાસકો અને પ્રશાસન દ્વારા દર વખતે માત્ર આશ્વાસનો જ આપવામાં આવ્યા છે, પરંતુ જમીન પર કોઈ નક્કર કામગીરી થઈ નથી. પાણીના અભાવે ખેતી નિષ્ફળ જતાં ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે.
વારંવારની રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતાં, ગ્રામજનોએ એકઠા થઈને તંત્રની ઊંઘ ઉડાડવા અને દેશભરનું ધ્યાન ખેંચવા માટે આ પગલું ભર્યું છે. ગામ વેચવાના બોર્ડે સોશિયલ મીડિયા અને સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે. ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા વહેલી તકે સિંચાઈના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે, તો તેઓ પોતાના આ વિરોધ પ્રદર્શનને વધુ તીવ્ર બનાવશે.











