પુણે: “એક ડૉક્ટર માટે સૌથી મુશ્કેલ હોય છે કોઈ પરિવારને એ જણાવવું કે તેમનું કોઈ સ્વજન હવે દુનિયામાં નથી રહ્યું; પરંતુ મારા માટે એ જણાવવું પણ એટલું જ મુશ્કેલ હતું કે તેમના ઘરે દીકરીનો જન્મ થયો છે.” આ કડવી વાસ્તવિકતા અને સમાજની રૂઢિચુસ્ત માનસિકતાને બદલવાનો સંકલ્પ પુણેના મેડીકેર હોસ્પિટલના સ્થાપક ડૉ. ગણેશ રાખે કર્યો છે.

સમાજમાં આજે પણ દીકરાના જન્મ પર ખુશીઓ ઉજવવામાં આવે છે અને મીઠાઈઓ વહેંચવામાં આવે છે, પરંતુ દીકરીના જન્મ પર સગાં-સંબંધીઓ હોસ્પિટલ છોડીને ચાલ્યા જતા હોય છે. માતા અસહાય બનીને રડતી રહેતી હોય છે અને પરિવાર સારવારના બિલમાં છૂટ માંગવા લાગતો હોય છે. દીકરીના જન્મ પર જોવા મળતી આ નિરાશાએ ડૉક્ટર ગણેશનું મન ભારે કરી દીધું હતું. વર્ષ 2011ની વસ્તીગણતરીના આંકડાઓએ તેમને ગંભીરતાથી વિચારવા મજબૂર કર્યા કે દેશમાં દીકરીઓ પ્રત્યે દ્રષ્ટિમાં કેટલો ગંભીર પ્રશ્ન છે. પોતાની નવ વર્ષની એકમાત્ર દીકરીને અત્યંત પ્રેમ કરતા ડૉક્ટર ગણેશે આ સામાજિક વિચારસરણીને જડમૂળથી બદલવા માટે કમર કસી.

‘મુલ્ગી વાચવા અભિયાન’ હેઠળ મફત ડિલિવરીની પહેલ

આ અનોખી પહેલ અંતર્ગત પુણેની મેડીકેર હોસ્પિટલના ડૉ. ગણેશ રાખ દ્વારા ‘મુલ્ગી વાચવા અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ તેમની હોસ્પિટલમાં જ્યારે પણ દીકરીનો જન્મ થાય છે, ત્યારે પરિવાર પાસેથી ડિલિવરીનો કોઈ જ ચાર્જ (ફી) લેવામાં આવતી નથી. તેમનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે દીકરીના જન્મને ક્યારેય કોઈ બોજ કે શાપ ન સમજવામાં આવે, પરંતુ તેને ઉત્સવ અને ખુશીઓનું મોટું કારણ બનાવવામાં આવે. અત્યાર સુધીમાં તેઓ આ અભિયાન હેઠળ આશરે 3,000 જેટલી ડિલિવરીઓ તદ્દન મફત કરાવી ચૂક્યા છે.

ખુદ એક સામાન્ય પરિવારમાં ઉછરેલા અને અનેક મુશ્કેલીઓનો સામનો કરીને MBBS પૂરું કરીને ડૉક્ટર બનેલા ડૉ. ગણેશ રાખ માટે પૈસા કરતાં હંમેશાં બાળકીઓનું જીવન અને તેમનું સન્માન વધુ મહત્વનું રહ્યું છે. આજે તેઓ પોતાના આ લોકઉપયોગી કાર્ય દ્વારા એવા અસંખ્ય પરિવારોમાં નવી આશા જગાવી રહ્યા છે, જેમના માટે ભૂતકાળમાં દીકરીનો જન્મ નિરાશાનું કારણ બની જતો હતો. ડૉક્ટર ગણેશ રાખ દ્રઢપણે માને છે કે, “દીકરીનો જન્મ પણ બરાબર દીકરા જેટલી જ ખુશી અને સન્માનનો હકદાર છે.”


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here