વાંસદા: વાંસદા તાલુકાના ઘોડમાળ ગામના રાજુમ્બર ફળિયામાં વિવાદિત નાળાનું કામ અધૂરું છોડી દેવાતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય અનંત પટેલ સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ચીખલી તાલુકાના માંડવખડક ગામના એક સરકારી અધિકારી (બાબુ) દ્વારા મનસ્વી રીતે અવળચંડાઈ કરીને રાજુમ્બર ફળિયામાં આ વિવાદિત નાળું મંજૂર કરાવવામાં આવ્યું હતું. નાળાનું કામ શરૂ કર્યા બાદ તેને અધૂરું જ છોડી દેવાયું હતું અને આ કામ અન્ય જગ્યાએ ખસેડીને ત્યાં કામગીરી શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી હતી.

સરકારી બાબુની આ મનમાની સામે સ્થાનિકોએ તાત્કાલિક ધારાસભ્ય અનંત પટેલનો સંપર્ક કર્યો હતો. ગ્રામજનોની રજૂઆતને પગલે ધારાસભ્ય અનંત પટેલે સ્થળ મુલાકાત લીધી હતી અને સંબંધિત સરકારી અધિકારી સાથે સીધી વાતચીત કરી હતી. ધારાસભ્યશ્રીની કડક રજૂઆત બાદ સરકારી બાબુએ અધૂરું રહેલું નાળું પૂરું બનાવી આપવાની ખાતરી આપી હતી.

આ સમગ્ર બાબત અંગે ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, “લોકોની સુવિધા માટે મંજૂર થયેલા વિકાસકામોમાં આવી બેદરકારી કે રાજકીય/સરકારી અવળચંડાઈ ચલાવી લેવાશે નહીં. ગામજનોને જે નાળાની જરૂરિયાત છે તે જ જગ્યાએ કામ પૂર્ણ થાય તે અમારી પ્રાથમિકતા છે અને આ નાળાનું કામ યોગ્ય રીતે પૂરું કરાવવામાં આવશે.”


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here