વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના કુરેલિયા ગામ ખાતે આવેલી શ્રી વલ્લભ આશ્રમશાળા ખાતે વિદ્યાર્થીઓ માટે પુસ્તક વિતરણ અને પ્રેરણાત્મક માર્ગદર્શન કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં વાંચનની ટેવ કેળવવાનો અને તેમના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત પી.આઈ. કિરણ પાડવીના હસ્તે આશ્રમશાળાના બાળકોને વિવિધ ઉપયોગી પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પુસ્તક વિતરણ બાદ તેમણે બાળકોને પ્રેરણાદાયી સંબોધન કરતા જણાવ્યું હતું કે, પુસ્તક માત્ર કાગળના પાનાંનો સંગ્રહ નથી, પરંતુ તે જ્ઞાન, વિચાર અને જીવનને નવી દિશા આપતું સશક્ત માધ્યમ છે. તેમણે ઉમેર્યું હતું કે નિયમિત વાંચનની ટેવ જ્ઞાનમાં વધારો કરવાની સાથે બાળકના સર્વાંગી વ્યક્તિત્વ વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

P.I કિરણ પાડવીએ વિદ્યાર્થીઓને નાનપણથી જ પોતાના લક્ષ્યો નક્કી કરી મહેનત, શિસ્ત અને સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધવા તેમજ શિક્ષણને જીવનની સફળતાનું મુખ્ય સાધન બનાવવા આહ્વાન કર્યું હતું. આ કાર્યક્રમમાં આઈ.ટી.આઈ. ઇન્સ્ટ્રક્ટર દીપકભાઈ, ટ્રેકર દિવ્યેશભાઈ, આશ્રમશાળાના આચાર્ય જગદીશભાઈ પટેલ તેમજ સમગ્ર શિક્ષકગણ ઉપસ્થિત રહ્યો હતો. નવાં પુસ્તકો મેળવીને આશ્રમશાળાના બાળકોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનોએ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે યોજાયેલા આ સરાહનીય પ્રયાસને સહર્ષ આવકાર્યો હતો.











