ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના ધામણી તાલુકા પંચાયત વિસ્તાર હેઠળ આવતા તામછડી, પેણધા, હેદરી અને ઢાંકવણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાનો પર નેટવર્કની ગંભીર સમસ્યા સામે આવી છે. મોબાઈલ કે ઈ-પોસ (e-POS) મશીનમાં નેટવર્ક ન આવવાને કારણે સ્થાનિક ગ્રામજનોને અનાજ મેળવવા માટેનું કુપન કાઢવા જીવના જોખમે ધામણી ગામના ડુંગર પર જવાની નોબત આવી છે.
તાજેતરમાં જ ડુંગર પર કુપન કાઢવા ગયેલા એક વ્યક્તિને સર્પદંશ (સાપ કરડવાની) ગંભીર ઘટના બની હતી. જેના કારણે તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. આ ઘટના બાદ ગ્રામજનો અને પંચાયતના આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને આજે ધામણી તાલુકા પંચાયતના આગેવાનો સાથે મળીને ધરમપુર મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે જ્યાં સુધી વિસ્તારમાં નેટવર્કની સમસ્યાનો કાયમી ઉકેલ ન આવે, ત્યાં સુધી અનાજ વિતરણ માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, જેથી સામાન્ય લોકોને કુપન માટે જીવના જોખમે ડુંગર પર જવું ન પડે. આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું કે જો આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવામાં નહીં આવે, તો જનહિત અને ગ્રામજનોના સુરક્ષાના પ્રશ્નો માટે તેમની રજૂઆત અને લડત સતત ચાલુ રહેશે.











