નાનાપોંઢા: વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે આગામી ૧૭મી નવેમ્બર, મંગળવારના રોજ ‘આદિવાસી સાહિત્ય મંચ’નું નવમું વાર્ષિક સંમેલન યોજાવા જઈ રહ્યું છે. ડો. ઉત્તમભાઈ પટેલના અધ્યક્ષપદે યોજાનારા આ ભવ્ય સંમેલનમાં ગુજરાત અને મહારાષ્ટ્રના જાણીતા સાહિત્યકારો, લેખકો, સંશોધકો અને સાહિત્યપ્રેમીઓ એકત્રિત થઈ આદિવાસી સાહિત્ય, ભાષા અને સંસ્કૃતિના વિવિધ પાસાઓ પર ચિંતન-મનન કરશે. આ અવસરે વિવિધ ભાષાના કુલ 7 પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવશે.
આ સંમેલનમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના મહાત્મા ગાંધી રૂરલ સ્ટડીઝ વિભાગના પ્રોફેસર અને વડા ડો. દીપકભાઈ ભોયે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે. જ્યારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર સ્થિત ડો. બી. આર. આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના એસોસિયેટ પ્રોફેસર અને જાણીતા મરાઠી લેખક ડો. પદ્માકર સહારે મુખ્ય અતિથિ તરીકે શોભા વધારશે. આ ઉપરાંત, નર્મદા વિસ્તારમાંથી મથુરભાઈ વસાવા, તાપી વિસ્તારમાંથી પ્રા. ડો. ઉરેસ ગામીત અને વલસાડ વિસ્તારમાંથી ડો. બાબુ ચૌધરી પોતાના પ્રદેશના આદિવાસી સાહિત્ય અંગે વિશેષ વક્તવ્ય આપશે.
સંમેલનમાં વર્ષોના સંશોધન અને અભ્યાસ બાદ તૈયાર થયેલા ત્રણ મહત્વપૂર્ણ અનુવાદિત પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવશે: ડો. ઉત્તમભાઈ પટેલના હિન્દી પુસ્તક ‘કુકણા બોલી કે લોકગીત’નો ગુજરાતી અનુવાદ ‘કુકણા બોલીનાં લોકગીતો’ ડો. પદ્માકર સહારેના મરાઠી પુસ્તક ‘કોકણાતિલ કોકણા આદિવાસી, ઇતિહાસ આણી સામાજિક વેધ’નો ગુજરાતી અનુવાદ ‘કુકણા આદિજાતિનું મૂળ’ ડો. અરવિંદભાઈ પટેલના ગુજરાતી પુસ્તક ‘બરામદેવ’નો હિન્દી અનુવાદ ‘બરામદેવ’
અનુવાદિત ગ્રંથો ઉપરાંત સ્થાનિક બોલી અને સર્જનાત્મક સાહિત્યને સમૃદ્ધ કરતા અન્ય ચાર પુસ્તકોનું પણ વિમોચન થશે: ડો. બાબુ ચૌધરીના બે ગઝલસંગ્રહ: ‘પીળો કેસુડો’ અને ‘આ સાંવર ફૂલેલી’ અરવિંદભાઈ પટેલનું ધોડિયા ભાષામાં ઉખાણાંનું પુસ્તક: ‘આખા તે એરેંહ’ પ્રા. ડો. મોહન પટેલનો ધોડિયા ભાષાનો વાર્તાસંગ્રહ: ‘ટૂંકલો’
ઉલ્લેખનીય છે કે, આદિવાસી સાહિત્ય મંચના જશવંતભાઈ ભીસરા અને સાહિત્યિક મિત્રમંડળ દ્વારા છેલ્લા 8 વર્ષથી દિવાળીના પર્વ દરમિયાન આ સંમેલનનું સફળ આયોજન કરવામાં આવે છે. આ નવમું સંમેલન બંને રાજ્યોના આદિવાસી લેખકો, કવિઓ, સંપાદકો અને સંશોધકોને એક મંચ પર લાવી સાહિત્યિક આદાન-પ્રદાનનું સશક્ત માધ્યમ બની રહ્યું છે.











