ધરમપુર: ગતરોજ ધરમપુર નગરમાં આગામી ૧૬મી નવેમ્બર, સોમવારના રોજ પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિની ભક્તિભાવ અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરવામાં આવશે. હનુમાન ફળિયા સ્થિત શ્રી જલારામ મંદિર પરિસરમાં આ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ માનવસેવાના ઉમદા હેતુથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ જલારામ જયંતિ મહોત્સવનો પ્રારંભ સવારે ૯:૦૦ કલાકે ભવ્ય શોભાયાત્રા સાથે થશે. હનુમાન ફળિયા સ્થિત જલારામ મંદિર ખાતેથી પ્રસ્થાન થનારી આ શોભાયાત્રા દશોદી ફળિયા, ગાંધી બાગ, લક્ષ્મીનારાયણ મંદિર, મોટા બજાર, ટાવર અને પ્રભુ ફળિયા જેવા નગરના મુખ્ય માર્ગો પર ફરીને પુનઃ જલારામ મંદિરે પરત ફરશે. આ શોભાયાત્રામાં નાના ભૂલકાઓ સહિત લોહાણા સમાજના પરિવારો અને નગરજનો મોટી સંખ્યામાં જોડાશે.

ધાર્મિક કાર્યક્રમો અને મહાપ્રસાદની રૂપરેખા: બપોરે ૧૨:૩૦ કલાકે: મહાપ્રસાદનું આયોજન. સાંજે ૪:૦૦ કલાકે: શ્રી સત્યનારાયણ ભગવાનની કથા તથા ભવ્ય અન્નકૂટ દર્શન (છપ્પન ભોગ). સાંજે ૭:૩૦ કલાકે: ખીચડી-કઢીના મહાપ્રસાદનો લાભ મળશે.

રક્તદાન શિબિર દ્વારા માનવસેવાનો સંદેશ ધાર્મિક ઉજવણીની સાથે સમાજસેવાના ઉમદા હેતુથી સાંજે ૬:૦૦ થી રાત્રે ૯:૦૦ કલાક દરમિયાન મંદિર પરિસરમાં રક્તદાન શિબિર (બ્લડ કેમ્પ) યોજાશે. આ તમામ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોમાં ધર્મપ્રેમી જનતા અને નગરજનોને ઉમળકાભેર સહભાગી થવા શ્રી જલારામ મંદિર સંચાલન સમિતિ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here