ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના પીપરોળ ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને કુદરતી સૌંદર્યથી ભરપૂર “અભિનાથ ગઢ – વરુણદેવ દેવસ્થાનક”ના મૂળ સ્વરૂપને જાળવી રાખીને, તેને “Tribal Cultural & Eco-Tourism Destination” તરીકે તબક્કાવાર વિકસાવવા માટે સમસ્ત આદિવાસી સમાજના યુથલીડર ડો.નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા ગુજરાત સરકારના મુખ્યમંત્રી કાર્યાલય તેમજ પ્રવાસન વિભાગને એક વિસ્તૃત પત્ર લખીને મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે.
પત્રમાં જણાવ્યા અનુસાર, વરુણદેવ મંદિર સ્થાનિક આદિવાસી સમાજની લોકઆસ્થા, પરંપરા, પ્રકૃતિ અને વરસાદ-જળ સાથે જોડાયેલી સાંસ્કૃતિક માન્યતાઓનું એક ખૂબ જ મહત્વપૂર્ણ કેન્દ્ર છે. જેથી આ સ્થળને કોઈ પણ મોટા ભવ્ય કોંક્રીટના માળખામાં પરિવર્તિત કર્યા વિના, “દેવસ્થાનક યથાવત્ – આસપાસ સુવિધાયુક્ત વિકાસ”ના અનન્ય અભિગમ સાથે વિકસાવવામાં આવે તેવી ખાસ માંગ કરવામાં આવી છે.અભિનાથ ગઢના કુદરતી વ્યુ-પોઇન્ટ પર સુરક્ષિત રેલિંગ લગાવવી, શ્રદ્ધાળુઓ માટે ભોજનાલય/પ્રસાદ હોલ, રહેવાની સુવિધાઓ, રસોડું, મહિલાઓ-પુરુષો માટે અલગ શૌચાલય, ઉદ્યાન, તળાવ, કચરા પેટીઓ અને પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવી. કુદરતી વાતાવરણને નુકસાન ન થાય તે રીતે સોલાર લાઇટિંગ, કચરા વ્યવસ્થાપન, પગદંડી અને પાથવે લાઇટિંગની સુવિધા કરવી.સ્થાનિક આદિવાસી સમાજની હસ્તકલા, વાંસની વસ્તુઓ અને કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે શેડ બનાવીને સ્થાનિક મહિલાઓ અને યુવાનો માટે સ્વરોજગારની તકો ઊભી કરવી.વરુણદેવની પૂજા અને આદિવાસી સંસ્કૃતિની માહિતી આપતું એક ‘Information/Interpretation Centre’ અને બહુભાષી માહિતી બોર્ડ લગાવવા જેવી માંગ પણ કરવામાં આવી છે.
ડો.નિરવ પટેલે જણાવ્યું છે કે સંબંધિત વિભાગો દ્વારા સંયુક્ત સર્વે કરીને DPR (Detailed Project Report) તૈયાર કરી આ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવે, તો આ સ્થળ દક્ષિણ ગુજરાતનું એક મહત્વપૂર્ણ ધાર્મિક,સાંસ્કૃતિક અને કુદરતી પ્રવાસન ધામ બની રહેશે, જે સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો પણ પૂરી પાડશે.આ પ્રસંગે આદિવાસી એકતા પરિષદ કમલેશભાઈ, કાળુભાઇ માજી ઉપસરપંચ, અનિલભાઈ, સૂરજભાઈ, પંચાયત સભ્ય ગુલાબભાઇ, રામજીભાઈ, મુકેશભાઈ, સવિતાબેન, કાર્તિક, રાકેશભાઈ, ધર્મેશભાઈ, ભાવેશ, નરેશભાઈ સહિતના આગેવાનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.











