વાલોડ: પ્રકૃતિ સેવા ટ્રસ્ટ પરિવાર દ્વારા વાલોડ તાલુકાના કહેર પ્રાથમિક શાળા, ગ્રામભારતી વિદ્યાલય કલમકુઈ તેમજ કહેર-કલમકુઈ વિસ્તારની તમામ આંગણવાડીઓમાં વિદ્યાર્થીઓ માટે સ્ટેશનરી અને નોટબુક્સનું વિતરણ કરવામાં આવ્યું છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ આ કાર્યક્રમમાં ગામના આગેવાનો તેમજ પ્રકૃતિ સેવા ટ્રસ્ટના સભ્યો સત્યેનભાઈ, તર્કકુમાર, સુભાષભાઈ અને ભાવિનભાઈ હાજર રહ્યા હતા. વિતરણ કાર્યક્રમ ઉપરાંત વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય અને કારકિર્દી વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
પ્રકૃતિ સેવા ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિના ક્ષેત્રે સતત સક્રિય છે. ટ્રસ્ટ ગામડાઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે અને આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને વાલીઓએ ટ્રસ્ટના પ્રયાસોની પ્રશંસા કરી હતી.











