ઉમરગામ: સુરત અને મુંબઈ સેન્ટ્રલને જોડતી પ્રસિદ્ધ ફ્લાઈંગ રાની એક્સપ્રેસ હવે ઉમરગામ સ્ટેશન પર પણ રોકાશે. આ સુવિધા ઉમરગામ અને આસપાસના વિસ્તારના લાખો મુસાફરો માટે મોટી રાહત સાબિત થશે. આ ઘટનાનો શ્રેય વલસાડ લોકસભાના સાંસદ શ્રી ધવલભાઈ પટેલના સતત અને અથાક પ્રયાસોને જાય છે.
માનનીય સાંસદશ્રીએ આ મુદ્દે કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સાથે રૂબરૂ મુલાકાત કરીને રજૂઆત કરી હતી અને કેન્દ્રને અનેક પત્રો પણ લખ્યા હતા. તેમના આ પ્રયત્નોનું પરિણામ છે કે ઉમરગામ સ્ટેશન પર ફ્લાઈંગ રાની એક્સપ્રેસનું સ્ટોપેજ મંજૂર થયું છે. ઉમરગામ વિસ્તારના અનેક યુવાનો નોકરી, ધંધા અને અભ્યાસ માટે અપડાઉન કરે છે. અગાઉ આ ટ્રેનના સ્ટોપેજના અભાવે તેમને મુસાફરીમાં ઘણી તકલીફ પડતી હતી. આ નવી સુવિધાથી સ્થાનિક મુસાફરોને સમય અને ખર્ચ બંનેની બચત થશે.
આ સુવિધા મળતાં ઉમરગામ વિસ્તારના નાગરિકોએ આનંદ વ્યક્ત કર્યો છે. ગત રોજ જનતાએ સાંસદ શ્રી ધવલભાઈ પટેલનું સન્માન કરીને તેમનો આભાર માન્યો. જનસેવા પ્રત્યેના તેમના સમર્પણને કારણે સમગ્ર વલસાડ વિસ્તાર તેમના પર ગર્વ અનુભવે છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે, આ નિર્ણય ઉમરગામ વિસ્તારના વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.











