વલસાડ: યુનાઇટેડ નેશન્સ દ્વારા જાહેર કરવામાં આવેલ 9 ઓગસ્ટ – ‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે સમગ્ર દેશ સહિત વલસાડ જિલ્લામાં પણ આદિવાસી સમાજ દ્વારા વિવિધ પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો મહાન ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા એકઠા થાય છે. જોકે, પ્રતિમા પરિસરમાં જોવા મળતી ગંદગી અને અસ્વચ્છતાને લઈને આદિવાસી આગેવાનો દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે.

આ અંગે ડો. નિરવ ભુલાભાઇ પટેલે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “મહાન ક્રાંતિકારીઓની પ્રતિમાઓની આસપાસ કાયમી પારાવાર ગંદગી રહેતી હોવાથી તેઓનું યોગ્ય માન-સન્માન જળવાતું નથી. સ્થાનિક તંત્ર દ્વારા આવી ઐતિહાસિક અને આદરણીય પ્રતિમાઓની નિયમિત અને યોગ્ય જાળવણી કરવી અત્યંત જરૂરી છે.”

આગેવાનો દ્વારા કલેક્ટર સમક્ષ નીચે મુજબની મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે કે બિરસા મુંડાજીની પ્રતિમા તથા સમગ્ર પરિસરની વિશેષ સફાઈ કરવામાં આવે તેમજ આસપાસ ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરા દૂર કરી સ્થળની સુંદરતા જાળવવામાં આવે, વલસાડ ધરમપુર ચોકડી પર આવેલી પ્રતિમાની આસપાસ નવો ચબુતરો બનાવવામાં આવે તથા ધરમપુર આસુરા ટેકરી પર આવેલા ચબૂતરાનું રંગરોગાન અને જરૂરી સમારકામ હાથ ધરવામાં આવે, પ્રતિમા પાસે લગાવવામાં આવેલી તમામ લાઈટો, હાઈમાસ્ટ લાઈટો અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ પૂર્ણપણે કાર્યરત કરવામાં આવે, પ્રતિમાની આસપાસના માર્ગો, ફૂટપાથ અને જાહેર સ્થળોની સ્વચ્છતા કાયમી ધોરણે સુનિશ્ચિત કરવામાં આવે, વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેનાર નાગરિકો માટે પીવાના ચોખ્ખા પાણી, કચરાપેટી અને અન્ય પ્રાથમિક સુવિધાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવે.

આદિવાસી સમાજના આગેવાનોએ આશા વ્યક્ત કરી છે કે તંત્ર દ્વારા આ રજૂઆતને ગંભીરતાથી લઈ કાર્યક્રમ પહેલાં તમામ જરૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here