મોરબી: વાંકાનેર તાલુકાના વસુંધરા ગામમાં એક જ પરિવારના બે સગા ભાઈઓ દ્વારા અલગ-અલગ જાતિના ખોટા પ્રમાણપત્રો મેળવી સરકારી નોકરીઓ તેમજ અન્ય અનામત લાભો હડપ કરવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે ખેરગામના ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન અને યુથ લીડર ડો. નિરવ ભુલાભાઈ પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ તાત્કાલિક તટસ્થ તપાસ અને કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે.
વસુંધરા ગામના ખાતા નંબર 48ના કબ્જેદાર રેવાભાઈ હમીરભાઈ સરસૈયાના પરિવારના બે પુત્રો વિરુદ્ધ આ આક્ષેપો છે. મોટા પુત્ર હરેશ રેવાભાઈ સરસૈયાએ વર્ષ 2015-16 માં SEBC (OBC) કેટેગરી હેઠળ પસંદગી મેળવી મોરબીમાં રેવન્યુ તલાટી તરીકે નોકરી મેળવી છે, જ્યારે નાના પુત્ર નવઘણ રેવાભાઈ સરસૈયાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં જુનિયર ક્લાર્કની નોકરી ST (આદિવાસી) કેટેગરીમાં મેળવી છે. નવઘણે વર્ષ ૨૦૨૧માં ST અનામત બેઠક પરથી વાંકાનેર તાલુકા પંચાયતની ચૂંટણી પણ લડી હતી.
ડો. નિરવ પટેલે જણાવ્યું કે એક જ પિતા અને સમાન વારસાગત જમીન ધરાવતા બે ભાઈઓ અલગ-अલગ જાતિના પ્રમાણપત્રો કેવી રીતે મેળવી શકે? આ સ્પષ્ટપણે દસ્તાવેજી હેરાફેરી અને છેતરપિંડીનો કિસ્સો છે. વધુમાં આ પરિવાર પાસે અંદાજે ૧૫ વીઘા જમીન હોવા છતાં મનરેગા યોજના હેઠળ ગરીબ મજૂર તરીકે સહાય મેળવવાના પ્રયાસો પણ થયા હોવાના આક્ષેપ છે. આ મામલે આદિવાસી (ST) અને OBC સમાજના યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ડો. નિરવ પટેલે મુખ્યમંત્રીને આપેલી રજૂઆતમાં નીચે મુજબની માંગણીઓ કરી છે:
• બંને ભાઈઓના જાતિ પ્રમાણપત્રોની હાઈ-લેવલ વિજિલન્સ તપાસ માટે સ્પેશિયલ કમિટીની રચના.
• ખોટા પ્રમાણપત્રોના આધારે નોકરી મેળવનાર બંનેને તાત્કાલિક સસ્પેન્ડ કરી તપાસ પછી બરતરફ કરવા.
• અત્યાર સુધી મેળવેલા પગાર, ભથ્થા અને અન્ય લાભોની વ્યાજ સાથે વસૂલાત.
• ભારતીય ન્યાય સંહિતા હેઠળ છેતરપિંડી અને ગુનાહિત કાવતરાની કલમોમાં કેસ નોંધી કાર્યવાહી.
• પ્રમાણપત્રો આપનાર અધિકારીઓ સામે પણ તપાસ અને પગલાં.
આ કિસ્સાએ સરકારી અનામત વ્યવસ્થા અને જાતિ પ્રમાણપત્રોની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવ્યા છે. સાચા અને જરૂરિયાતમંદ ST-OBC ઉમેદવારોના હક્કોની રક્ષા માટે ત્વરિત અને તટસ્થ તપાસની માંગ વધી રહી છે.











