ગાંધીનગર: રાજ્યના અનુસૂચિત જનજાતિ (ST)ના પોસ્ટ મેટ્રિક અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા કુમાર વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ અત્યાર સુધી કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 2.50 લાખ નક્કી થયેલી હતી, જેને વધારીને 6 લાખ કરવા માટે સરકારશ્રી દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
ધારાસભ્ય તુષાર ચૌધરીએ કહ્યું કે ઉલ્લેખનીય છે કે, આ આવક મર્યાદા વધારવા માટે વિધાનસભા ગૃહમાં તેમજ સામાજિક અને રાજકીય ક્ષેત્રે વિવિધ સ્તરેથી વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. જનપ્રતિનિધિઓ અને સમાજના અગ્રણીઓની આ સતત રજૂઆતોને ધ્યાને રાખીને સરકારે પ્રજાલક્ષી અભિગમ દાખવ્યો છે.
આ નવા પરિપત્ર મુજબ, હવે 2.50 લાખથી લઈને 6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા અનુસૂચિત જનજાતિના પરિવારના કુમાર વિદ્યાર્થીઓ પણ આ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મેળવી શકશે. સરકારના આ નિર્ણયથી મધ્યમ અને ઉચ્ચ આવકજૂથ તરફ વધી રહેલા ST વર્ગના હજારો વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મોટી આર્થિક મદદ મળશે અને તેમના માટે ઉચ્ચ અભ્યાસના નવા દ્વાર ખુલશે.











