ગાંધીનગર: ગુજરાતમાં વીજ વિતરણ લાઈનોના કામ અંગે ખેડૂતો સાથે ચાલી રહેલા વિવાદમાં પોલીસ વહીવટીતંત્રની કાર્યવાહી એકપક્ષી અને દમનકારી હોવાના આરોપ સાથે વિરોધ પક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ, પાલભાઈ અંબાલિયા, જયેશ પટેલ રાજકોટિયા, મહેશ પારેશ કાંબરિયા સહિતના આગેવાનોએ ગુજરાત પોલીસ વડા (DGP)ને રૂબરૂ મળી વિસ્તૃત રજૂઆત કરી હતી.
આગેવાનોએ જણાવ્યું કે વીજ કંપનીઓ કલેક્ટર કચેરીમાં યોગ્ય પ્રક્રિયા અને સમાધાનના બદલે સીધી પોલીસનો આશરો લઈ ખેડૂતોને પોલીસ સ્ટેશનમાં બોલાવી ધમકાવવાની ઘટનાઓ વધી રહી છે. ખેડૂતોને વીજ લાઈન પસાર કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.
મુખ્ય આરોપો:
કોંઢ ગામ: જે ખેડૂતના ખેતરમાં વીજ પોલ કે તાર પણ આવવાના નથી, તેવા ખેતરના ડેલાના તાળા તોડી નાખવામાં આવ્યા.
જેતપુર ગામ: મહિલાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો.
કોલવા ગામ: એક બહેનને પોલીસ દ્વારા ઢસડીને લઈ જવામાં આવી.
લાલુકા ગામ: એક પોલીસ અધિકારી દ્વારા ખેડૂતનું ગળું દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
આગેવાનોએ આ તમામ ઘટનાઓની તપાસ કરી જવાબદાર પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
પોલીસની ‘દાદાગીરી’ના આરોપ:
રજૂઆતમાં જણાવવામાં આવ્યું કે કાયદાકીય રીતે માત્ર 5 પોલીસ કર્મીઓનું પ્રોટેક્શન માંગવામાં આવ્યું હોય ત્યાં 500 પોલીસ તૈનાત કરવામાં આવે છે. એક ખેતરમાં વીજ લાઈન પસાર કરવાનો હુકમ હોય ત્યાં આસપાસના 10-15 ખેડૂતોના ખેતરમાં પણ પોલીસ દ્વારા અવરજવર રોકવામાં આવે છે. કલેક્ટરના હુકમમાં માત્ર 67 મીટર પહોળાઈનો ઉલ્લેખ હોય તો પણ આખા ખેતરને ખુંદી નાખવામાં આવે છે. આવી દમનકારી અને અતિક્રમણકારી કાર્યવાહીની પણ વાત DGP સમક્ષ રાખવામાં આવી.
15 જૂનની કિસાન અધિકાર યાત્રા:
આગેવાનોએ 15 જૂને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો ટ્રેક્ટરો સાથે ગાંધીનગર તરફ કાઢવાની “કિસાન અધિકાર યાત્રા”ને શાંતિપૂર્ણ રીતે આગળ વધવા દેવા અને પોલીસ દ્વારા કોઈ અવરોધ ન કરવા માટે પણ DGPને વિનંતી કરી છે. આ મુલાકાતમાં ખેડૂતોના અધિકારોનું રક્ષણ અને વહીવટીતંત્રની તટસ્થતા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. DGPના કાર્યાલય તરફથી હજુ સુધી આ રજૂઆત અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.











