ઉમરપાડા: બસ હવે થોડા જ દિવસોમાં ચોમાસાની શરૂઆત થવાની છે. ધરતીપુત્ર અન્નદાતા ખેડૂત નવા પાકની આશા અને નવા ઉત્સાહ સાથે ખેતીની તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે. ઘણા ખેડૂત મિત્રો મકાઈ, તુવેર તેમજ ડાંગરના ધરુની તૈયારીઓ પણ કરી ચૂક્યા છે પણ ચોમાસાની શરૂઆત પહેલા ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી છે અને ઉમરપાડાના અનેક ખેડૂત નિરાશ પરત ફરવાનો વારો આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ખેડૂતોને પોતાની પસંદનું બિયારણ તો મળી જાય છે, પરંતુ દર વર્ષે વધતા બિયારણના ભાવ, પાકના ઓછા બજારભાવ અને ખાતરની અછત જેવી સમસ્યાઓ તેમની ચિંતામાં વધારો કરે છે. આવા જ દ્રશ્યો આજે વહેલી સવારે ગુજરાતના ઉમરપાડા તાલુકો ખાતે આવેલા રામવાટિકા એગ્રો સેન્ટર ખાતે જોવા મળ્યા. કેટલાક ખેડૂત મિત્રો રાત્રે 3 વાગ્યાથી તો કેટલાક 4થી 5 વાગ્યાથી ખાતરની એક બોરી મળી જાય તેવી આશા સાથે લાઈનમાં બેઠા હતા. પરંતુ ખાતરની મર્યાદિત ઉપલબ્ધતા અને ખેડૂતોની મોટી સંખ્યાને કારણે ઘણા ખેડૂત મિત્રોને ખાતર મળ્યું નહીં અને તેઓ નિરાશ થઈને ઘરે પરત ફર્યા.
ખેડૂતોનું કહેવું છે કે ખેતીના મહત્વના સમયે ઓછામાં ઓછી જરૂરી માત્રામાં યુરિયા ખાતર તો મળવું જ જોઈએ, જેથી પાકનું યોગ્ય રીતે સંચાલન કરી શકાય. ખેડૂતોની માંગ છે કે સરકાર અને સંબંધિત વિભાગો સમયસર અને પૂરતા પ્રમાણમાં યુરિયા તથા અન્ય જરૂરી ખાતરો ઉપલબ્ધ કરાવે, જેથી અન્નદાતાને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે અને ખેતીનું કાર્ય સરળતાથી આગળ વધી શકે.
BY: હેમંત વસાવા











