માંડવી: માંડવી તાલુકામાં અવિરત વરસી રહેલા મુસળધાર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના લીધે જનજીવન ભારે અસ્તવ્યસ્ત બન્યું હતું. આવી કુદરતી આપત્તિની વિકટ પરિસ્થિતિમાં માંડવી પોલીસે માત્ર પોતાની ખાખીની ફરજ જ નહીં, પરંતુ એક સચ્ચા લોકરક્ષક તરીકે ખડેપગે રહીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

માંડવી પોલીસ સ્ટેશનના પી.આઈ. જયેશ વળવીના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે તુરંત હરકતમાં આવી ફૂલવાડી, મોરીઠા, અંધાત્રી તેમજ માંડવી ટાઉન સહિતના વિસ્તારોમાં સતત રેસ્ક્યૂ અને રાહત કામગીરી હાથ ધરી હતી. પૂરના પાણીમાં ફસાયેલા વૃદ્ધો, મહિલાઓ અને અસહાય બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને આશ્રયસ્થાનો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ કામગીરી દરમિયાન એક હૃદયસ્પર્શી દ્રશ્ય સામે આવ્યું હતું, જેમાં ભારે વરસાદ અને ઘૂંટણસમા પાણી વચ્ચે એક પોલીસ જવાને નાનકડા બાળકને પોતાના ખભા પર બેસાડીને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યું હતું. ખાખી વર્ધી પાછળ છુપાયેલી આ માનવતા જોઈને સ્થાનિક લોકોના દિલ જીતાઈ ગયા હતા. માત્ર રેસ્ક્યૂ જ નહીં, પરંતુ પોલીસે અસરગ્રસ્ત પરિવારો સુધી સમયસર ફૂડ પેકેટ્સ, પીવાનું ચોખ્ખું પાણી અને અન્ય આવશ્યક રાહત સામગ્રી પહોંચાડી હતી.

આ ઉપરાંત, સ્થાનિક વહીવટી તંત્ર અને ગ્રામજનો સાથે યોગ્ય સંકલન સાધીને જોખમી વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ અને રાઉન્ડ ધી ક્લોક દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી કોઈ પણ અકસ્માત કે આપાતકાલીન સ્થિતિમાં તુરંત મદદ પહોંચાડી શકાય. આપત્તિના સમયે માંડવી પોલીસની આ ત્વરિત અને સંવેદનશીલ કામગીરીએ સાબિત કરી દીધું છે કે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવતી સંસ્થા નથી, પરંતુ મુશ્કેલીના સમયે પ્રજાની સાચી ઢાલ છે. માંડવીના સ્થાનિક નાગરિકો અને આગેવાનોએ પોલીસ ટીમની આ કામગીરીને દિલથી બિરદાવી ભારે પ્રશંસા કરી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here