ઉમરપાડા: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના (મનરેગા- હાલ ‘જીરામજી’) હેઠળ કામ કરતા ગરીબ શ્રમિકો અને આદિવાસી પરિવારો પર ભારે આર્થિક સંકટ આવી પડ્યું છે. કાળઝાળ તડકામાં સખત પરિશ્રમ કરીને વિકાસના કામો પૂર્ણ કર્યા હોવા છતાં છેલ્લા 4 મહિનાથી વધુ સમયથી મજૂરીના નાણાં ન મળતા શ્રમિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. આ બાબતે તાલુકા વિકાસ અધિકારી (TDO) ઉમરપાડાને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં આક્રોશ વ્યક્ત કરતા જણાવવામાં આવ્યું છે કે, એક તરફ સરકાર દ્વારા મોટાપાયે યોજાતા સરકારી કાર્યક્રમો અને નાસ્તાના બોક્સ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી તરફ પોતાના પરસેવાની કમાણી અને દૈનિક રોજીરોટી માટે ગરીબ આદિવાસી શ્રમિકોને દર-દર ભટકવાની નૌબત આવી છે. મનરેગાના નિયમો અનુસાર, કામ પૂર્ણ થયાના ૧૫ દિવસની અંદર શ્રમિકોના બેંક ખાતામાં મજૂરીની રકમ જમા થવી ફરજિયાત છે. જો ચૂકવણીમાં વિલંબ થાય તો કાયદાકીય જોગવાઈ મુજબ લેટ પેમેન્ટનું વ્યાજ પણ ચૂકવવાનું હોય છે. પરંતુ તંત્રની ઘોર બેદરકારીના કારણે ચાર-ચાર મહિનાથી નાણાં અટકાવી રાખવામાં આવ્યા છે. જેથી શ્રમિકોએ બાકી લેણી રકમ નિયમ મુજબ વિલંબિત વ્યાજ સાથે તાત્કાલિક જમા કરવાની માંગ કરી છે.

જો તંત્ર કે સરકાર દ્વારા ગરીબ આદિવાસી શ્રમિકોની આ ગંભીર સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવામાં નહીં આવે, તો તમામ પ્રભાવિત શ્રમિકો આગામી 31મી તારીખે કેવડિયા ખાતે પહોંચીને ઉચ્ચ કક્ષાએ સામૂહિક રજૂઆત કરશે. આ મામલે જો કોઈ લોક આંદોલન કે અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી શાસન અને સ્થાનિક તંત્રની રહેશે તેવી કડક ચેતવણી આપવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here