સુબીર: ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના શીંગાણા ગ્રુપ ગ્રામ પંચાયતમાં વિકાસના મુદ્દાઓને લઈને લોકો અને તંત્ર વચ્ચે તીવ્ર અણબનાવ સર્જાયો છે. આજે બીજી વાર ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ગામલોકોએ અધિકારીઓના અસંતોષકારક જવાબોને કારણે ગ્રામસભા ન થવા દીધી અને વિરોધ નોંધાવ્યો હતો.

શીંગાણા, જામન્યામાળ, ઝરણ અને મોખામાળ આ ચારેય ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ તાલુકા સ્તરના અધિકારીઓ સાથે પીએમ આવાસ યોજના, પાણીની સમસ્યા, શિક્ષણ, આરોગ્ય સહિત અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાની કોશિશ કરી. પરંતુ અધિકારીઓએ એકબીજાને જવાબદારી સોંપીને વાતો ગોળ ગોળ ફેરવી અને કોઈ સ્પષ્ટ કે સંતોષકારક જવાબ આપ્યા નહીં. લોકોના વિરોધને કારણે બીજી વાર પણ ગ્રામસભા અધૂરી રહી ગઈ.

ત્રીજી વાર ગ્રામસભાની તૈયારી
આ ઘટના પછી પંચાયતે ત્રીજી વાર ગ્રામસભાની તારીખ 10 જૂન 2026 (બુધવાર) નક્કી કરી હતી. આ વખતે માત્ર તાલુકા સ્તરના નહીં, પરંતુ જિલ્લા સ્તરના જવાબદાર અધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે અને વિસ્તૃત એજન્ડા મોકલવામાં આવ્યો હતો..

ગ્રામ પંચાયતના લોકોનું કહેવું છે કે જો જિલ્લા સ્તરના અધિકારીઓ ગ્રામસભામાં હાજર ન રહે તો તેઓ ઉગ્ર આંદોલન કરવા માટે તૈયાર છે. આ મામલામાં સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેમ તેઓએ ચેતવણી આપી છે. આ ઘટના ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓ અને વિકાસ કાર્યોની અમલવારીને લઈને વધતી અસંતોષને ઉજાગર કરી રહી છે. લોકો માંગ કરી રહ્યા છે કે અધિકારીઓએ સમસ્યાઓના નિરાકરણ માટે સ્પષ્ટ સમયમર્યાદા અને રોડમેપ આપવો જોઈએ. હાલમાં સ્થિતિ તંગ છે અને ત્રીજી ગ્રામસભાના પરિણામ પર આખા વિસ્તારની નજર છે.

નોંધ: સુબીર તાલુકાના શીંગાણા ગ્રુપ ગ્રામ પંચાયતની ત્રીજી વારની ગ્રામસભાની માહિતી DECISION NEWS પર આવી નથી. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here