ઉમરપાડા: દક્ષિણ ગુજરાત આદિવાસી વિસ્તારોમાં ભેજવાળી જમીન અને કાદવમાં ઉગતી એક રસપ્રદ જંગલી ભાજી આજે પણ સ્થાનિક લોકોની પ્લેટમાં સ્થાન મેળવી રહી છે. આ ભાજીને સ્થાનિક ભાષામાં ‘ચીલા ની ભાજી’ અથવા ‘ચાબર્યુ’ તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિશાસ્ત્રીય રીતે તેનું નામ Marsilea minuta L. છે અને અંગ્રેજીમાં તેને Water Clover કહેવામાં આવે છે.
સામાન્ય રીતે નદી કિનારા, કોતરડા, તલાવડી અને છીછરા પાણીવાળા વિસ્તારોમાં સરળતાથી જોવા મળે છે. તેના ચાર ભાગમાં વહેંચાયેલા પાંદડા ક્લોવરના પાંદડા જેવા દેખાય છે, જેના કારણે તેને Water Cloverનું નામ મળ્યું છે. આ છોડ વેલ અને મૂળિયાઓ દ્વારા ઝડપથી ફેલાતો હોવાથી એક વખત ઉગ્યા પછી આસપાસના વિસ્તારમાં વ્યાપક રીતે પ્રસરી જાય છે.
કુદરતની અદ્ભુત પ્રક્રિયા
આ ભાજીની સૌથી રસપ્રદ વિશેષતા તેના પાંદડાઓની ગતિ છે. વહેલી સવારથી સાંજ સુધી પાંદડા સંપૂર્ણ ખીલેલા અને ફેલાયેલા રહે છે, જ્યારે સાંજ પડતાં જ તેઓ ધીમે ધીમે સંકોચાઈને એકબીજા સાથે સમેટાઈ જાય છે. આ દ્રશ્ય કુદરત પ્રેમીઓ માટે ખરેખર મનમોહક અને અનોખું હોય છે. સ્થાનિક આદિવાસી સમુદાયમાં આ ભાજીને શાક તરીકે રાંધીને ખવાય છે. તે પોષ્ટિક અને સ્વાદિષ્ટ માનવામાં આવે છે. જોકે કુટુંબની અન્ય સમાન દેખાતી પ્રજાતિઓ પણ હોવાથી નિષ્ણાત અથવા અનુભવી વ્યક્તિની સલાહ વિના તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
સ્થાનિકોનો અનુભવ:
ઉમરપાડા અને આસપાસના વિસ્તારોના ઘણા લોકો આ ભાજીને હજુ પણ પરંપરાગત રીતે એકઠી કરીને રસોઈમાં વાપરે છે. તમારા વિસ્તારમાં આને કયા નામથી ઓળખવામાં આવે છે? શું તમે ક્યારેય આ ભાજી ખાધી છે ? આવી જંગલી ભાજીઓ માત્ર પોષણ જ નહીં, પરંતુ આપણી સ્થાનિક સંસ્કૃતિ અને કુદરતી વારસાનું પણ પ્રતીક છે. વરસાદી મોસમમાં આવી ભાજીઓની ઉપલબ્ધતા વધે છે અને લોકો તેનો મહાવરો કરે છે.
BY: હેમંત વસાવા











