વિચારમંચ: હાઈવે પહોળો કરવાના સમયે 70 80 વર્ષોના ઝાડો કાપી જમીનદોસ્ત કરી દેવામાં આવે છે ત્યારે શિક્ષિત લોકોનું સંપૂર્ણ મૌન ને શું સમજવું ? પર્યાવરણ દિવસની ઉજવણીમાં આપણો પર્યાવરણ પ્રેમ ફોટોસેસન સુધી જ મર્યાદિત છે કે તેમાં હિંમત અને વાસ્તવિકતા પણ છે ?
પર્યાવરણ દિવસના કાર્યક્રમમાં મુખ્ય મહેમાનની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ફોટોગ્રાફી, સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને પ્રસિદ્ધિ માટેની તમામ વ્યવસ્થા હતી. પરંતુ ધરમપુરના વાપી કે વલસાડ હાઈવે જ્યારે પોહળો કરવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે 70-80 વર્ષ જૂનાં મોટાં વૃક્ષો કાપી નાખવામાં આવ્યાં. આ કાર્યવાહી વિરુદ્ધ મોટાભાગના પણ શિક્ષિત વ્યક્તિઓ વિરોધમાં આવ્યા નહીં. કોઈ વિવેકપૂર્ણ પત્ર લખાયો નહીં, કોઈ અવાજ ન ઊઠયો.
આ અંગે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે, “વૃક્ષનો સૌથી મોટો દુશ્મન કુહાડી નહીં… શિક્ષિત લોકોનું મૌન છે.” પોસ્ટમાં વધુમાં જણાવાયું છે કે વૃક્ષ વાવવું સરળ અને હીરોઈક લાગે છે, જ્યારે જૂના વૃક્ષને બચાવવા માટે આવવું “પોલિટિકલ” બની જાય છે. વાવણી વખતે ફોટા અને તાળીઓ મળે છે, પરંતુ વિરોધ કરવામાં કોઈ ફાયદો નથી અને લોકો નારાજ થાય છે., “વૃક્ષો માટે લડવાથી શું ફાયદો?” જો વૃક્ષો માટે લડવું ન હોય તો ‘Environmental Studies’ નો અભ્યાસ શું કામ ભણાવવો જોઈએ ભાષણોમાં અને ફેસબુક પોસ્ટમાં પર્યાવરણ બચાવવું સરળ છે, પરંતુ સત્તાની કુહાડી સામે ઊભા રહેવા માટે હિંમતની જરૂર પડે છે.
આદિવાસી વડીલો કહે છે કે વૃક્ષારોપણના કાર્યક્રમો મહત્વના છે, પરંતુ જો જૂનાં વૃક્ષોની રક્ષા ન થાય તો નવા રોપાઓ વાવવાનો અર્થ ઓછો રહી જાય છે. વર્ષો જૂના વૃક્ષોનું પર્યાવરણીય મહત્વ નવા રોપાઓ કરતાં અનેકગણું વધારે હોય છે. આ ઘટના શિક્ષિત વર્ગમાં પર્યાવરણીય જાગૃતિ અને વાસ્તવિક કાર્યવાહી વચ્ચેના અંતરને ફરી એક વાર ઉજાગર કરે છે. વૃક્ષો વાવવા માટે લોકો તૈયાર છે, પરંતુ તેમને બચાવવા માટે જરૂરી હિંમત અને સ્વર ઊઠાવવાની તૈયારી હજુ ઓછી જોવા મળે છે.











