અયોધ્યા: ભગવાનના ઘરમાં ચોરી ! અયોધ્યાના રામ મંદિરમાં દાન/ચઢાવામાંથી કરોડો રુપિયાની ચોરી/ છેતરપિંડી પછી મોદીભક્તો/ યોગી ભક્તો/ સંધભક્તોની લાગણી ઘવાઈ ન હતી. પરંતુ સોશિયલ મીડિયાના ઊહાપોહના કારણે છેવટે, ન છૂટકે ઉત્તરપ્રદેશ સરકારે ચોર/ ઠગો સામે 25 જૂન 2026ના રોજ FIR નોંધી છે.
FIR રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. તે SITના પ્રારંભિક અહેવાલ અને ટ્રસ્ટની ભલામણ પર આધારિત છે. ફરિયાદી છે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય શ્રીકૃષ્ણ મોહન. આરોપીઓ છે: (1) ટિન્નુ યાદવ મુખ્ય આરોપી, દાનપેટીની ચાવીઓ તેની પાસે રહેતી હતી. (2) લવકુશ મિશ્રા (3) અનુકલ્પ મિશ્રા (4) અવિનાશ શુક્લા (5) મનીષ યાદવ (6) સુભાષ શ્રીવાસ્તવ, કેશ કાઉન્ટિંગ ચાર્જ. (7) કરુણેશ પાંડે (8) રામશંકર મિશ્રા.
BNS-ભારતીય ન્યાય સંહિતાની કલમ-306 (ક્લાર્ક અથવા સર્વન્ટ દ્વારા ચોરી)/ 316 (ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ)/ 317 (છેતરપિંડી)/ 61 (ક્રિમિનલ કોન્સ્પિરસી) અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. 2 આરોપીઓને એરેસ્ટ કરેલ છે. અગાઉ લવકુશ મિશ્રા પાસેથી રોકડ રકમ રીકવર થઈ હતી. રામ મંદિર દાનપેટી ચોરી/ ગેરરીતિ એ માત્ર આર્થિક નુકસાન નથી, પરંતુ લાખો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલી બાબત છે.
રામમંદિર નિર્માણના પ્રશ્ન હાથમાં લઈ/ રામના નામે મત માંગી 2014માં મોદીજી વડાપ્રધાન બન્યા અને પછી મોટાભાગના રાજ્યોમાં સરકાર બનાવી. રામના નામે સત્તા મેળવ્યા પછી વિપક્ષમુક્ત સત્તા ભોગવવાનું અભિયાન ચલાવ્યું. ધારાસભ્યો/ સંસદસભ્યોની મોટાપાયે કાળા નાણાથી ખરીદી કરી. IT/ ED/ CBIનો ભયંકર દુરુપયોગ કર્યો. ચૂંટણીપંચ/ ન્યાયતંત્ર/ મીડિયાને નિયંત્રિત કર્યા-ગોદી બનાવ્યા. છેવટે રામમંદિરમાં લાંબા સમયથી લૂંટ ચલાવી. રામના આદર્શોને તો ઊંડા દાટીને માથે મોટા માટા પાણા મૂકી દીધા છે!
મંદિર જેવી પવિત્ર જગ્યાએ પણ માનવી લોભી થઈ શકે છે. લોકોમાં નિરાશા અને ગુસ્સો છે. આ ગુસ્સાને ઠારવા FIR નોંધવી પડી છે. ઘણા માને છે કે ઈશ્વર કર્મનું ફળ આપે છે; આ જીવનમાં અથવા પછીના જીવનમાં. ઈશ્વરને ‘સુરક્ષા ગાર્ડ’ તરીકે જોવો એ આસ્થાની મર્યાદા છે. ચોરી થવી એ માનવીય વ્યવસ્થાની નિષ્ફળતા છે. ભગવાન ચોરી રોકી શકે નહીં, ચોરોને સજા કરી શકે નહીં. વ્યવહારિક રીતે, આ કામ કાયદો/ વ્યવસ્થાનું છે. માનવીય વ્યવસ્થા કાયદો, તપાસ, સજા દ્વારા નિયંત્રિત થઈ શકે.
BY: રમેશ સવાણી











