અમદાવાદ: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એ તમામ કર્મચારીઓ માટે કડક સૂચના જાહેર કરી છે. ફરજ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને રીલ્સ બનાવવી, ફોટોગ્રાફી કરવી કે સોશિયલ મીડિયા પર વિડિયો અપલોડ કરવા પર સખત કાર્યવાહી કરવામાં આવશે.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે નિગમના જણાવ્યા અનુસાર, અગાઉ પણ કર્મચારીઓને ફરજ દરમિયાન મોબાઈલનો ઉપયોગ ન કરવા વારંવાર સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં કેટલાક કર્મચારીઓ બસ ચલાવતી વખતે કે ફરજ બજાવતી વખતે મોબાઈલથી રીલ્સ અને વિડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરતા હોવાના કિસ્સા સામે આવ્યા છે. નિગમે કારણ આપ્યું: મુસાફરોની સલામતીને જોખમ, કર્મચારીઓનું ધ્યાન ફરજમાંથી ભટકવું, નિગમની પ્રતિષ્ઠાને અસર
નિગમના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, “ફરજના સમયે આવી પ્રવૃત્તિઓ મુસાફરોના જીવન સાથે રમત સમાન છે.” આથી તમામ ડેપો અને વિભાગોને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાના કર્મચારીઓને આ બાબતે સખતીથી સચેત કરે. નિગમે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આ સૂચનાનું ઉલ્લંઘન કરનાર કર્મચારી સામે નિયમાનુસાર શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.











