નવસારી: ગુજરાતમાં ITI પ્રવેશસત્ર-૨૦૨૬ના પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર થયા બાદ દક્ષિણ ગુજરાતના આદિવાસી અને ગરીબ વિદ્યાર્થીઓને ઓનલાઈન ફી ભરવાની ફરજિયાત વ્યવસ્થાને કારણે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ અને છાંયડો હોસ્પિટલ, ખેરગામના ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો. નિરવ ભુલાભાઇ પટેલએ આ મુદ્દે ઔદ્યોગિક તાલીમ કેન્દ્રના ડાયરેક્ટરને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, 11 જુલાઈથી 15 જુલાઈ 2026 સુધીમાં વિદ્યાર્થીઓએ સંસ્થામાં પ્રવેશ કન્ફર્મ કરાવવાનો છે. આ દરમિયાન સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ ITIમાં 250/- કોશન મની ડિપોઝીટ (CMD) અને ટ્યુશન ફી ફરજિયાત ઓનલાઈન ભરવાની વ્યવસ્થા છે.
દક્ષિણ ગુજરાતના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં ઘણા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પાસે સ્માર્ટફોન, એટીએમ કાર્ડ, નેટ બેન્કિંગ કે UPI સુવિધાઓ ઉપલબ્ધ નથી. આ કારણે તેઓ પ્રાઈવેટ સાયબર કાફેમાં વધારાના ખર્ચે ફી ભરવા મજબૂર બની રહ્યા છે. વધુમાં, રોકડા લઈને આવતા વિદ્યાર્થીઓને ITI સ્ટાફ ઓનલાઈન ફી ભરવા જણાવી પરત મોકલી દે છે.
ડો. નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું કે, “ગયા વર્ષ સુધી સંસ્થાકક્ષાએ જ રોકડા (ઓફલાઈન) ફી સ્વીકારવાની વ્યવસ્થા હતી, જે ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીઓ માટે અત્યંત સરળ અને લાભદાયી હતી. વર્તમાન ઓનલાઈન વ્યવસ્થાથી હજારો મેધાવી વિદ્યાર્થીઓનું એડમિશન રદ થવાનો ભય છે.” તેમણે માંગ કરી છે કે સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ ITI માં પણ સ્વનિર્ભર સંસ્થાઓની જેમ તાત્કાલિક ‘ઓફલાઈન કેશ’ વિકલ્પ આપવામાં આવે, જેથી દક્ષિણ ગુજરાતના આદિવાસી અને વંચિત વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભવિષ્ય સુરક્ષિત રહે. આ રજૂઆતને લઈને આદિવાસી વિસ્તારોમાં સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ તાત્કાલિક સમાધાનની માંગ કરી છે.











