ધરમપુર: સંપૂર્ણ આદિવાસી વિસ્તાર ધરમપુર તાલુકાના ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારમાં આવેલું પિંડવળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) રાજ્ય સરકાર અને સેવાભાવી સંસ્થા વચ્ચેના સહયોગનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. આ કેન્દ્રને લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે, જેથી હવે દર્દીઓએ ૨૫ કિમી દૂર ધરમપુર કે ૭૦ કિમી દૂર વલસાડ જવાની જરૂર પડતી નથી.

પિંડવળમાં વર્ષ 1967માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરીકે શરૂ થયેલી આ સુવિધા 1994 માં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિસ્તૃત થઈ હતી. વર્તમાનમાં 30 બેડની ક્ષમતા ધરાવતું આ કેન્દ્ર આસપાસના 37 આદિવાસી ગામડાઓ અને મહારાષ્ટ્રની સરહદે આવેલા 20 ગામડાઓના લોકોને આરોગ્ય સેવા પૂરી પાડે છે. લોકમંગલમ ટ્રસ્ટના સહયોગથી વાર્ષિક 41,000 થી વધુ OPD અને 7,000 થી વધુ દર્દીઓની સારવાર અહીં થાય છે.

લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નિલમભાઈ પટેલે જણાવ્યું કે, “અંતરિયાળ વિસ્તારના લોકોને સારવાર માટે ધરમપુર સુધી જવું પડતું હતું. ટેકનિકલ સાધનોના અભાવે આ સમસ્યા હતી. જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાંત અધિકારી સાથે વાતચીત બાદ લોકમંગલમ ટ્રસ્ટે આગળ આવીને મદદ કરી.” ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે વર્ષમાં રૂ. 15 લાખના ખર્ચે એક્સ-રે મશીન, રૂ. 9 લાખના ખર્ચે સોનોગ્રાફી મશીન અને રૂ. 3 લાખના ખર્ચે લેબોરેટરી સાધનો આપવામાં આવ્યા છે. તેમજ સ્ટાફના પગાર અને મશીનની જાળવણીનો ખર્ચ પણ ટ્રસ્ટ ઉપાડે છે. રાજ્ય સરકારે પણ ફુલ્લી બાયોકેમેસ્ટ્રી એનાલાયઝર મશીન ઉપલબ્ધ કરાવ્યું છે.

દર્દીઓનો અનુભવ
નાની કોસબાડીની ગર્ભવતી મહિલા કેયલ વિરલ ખાંડવીએ કહ્યું, “મારા પ્રેગ્નન્સીના ૭મા મહિનામાં હું અહીં નિયમિત ચેકઅપ કરાવું છું. દર મહિને ખિલખિલાટ ગાડીમાં લાવવા-લઈ જવામાં આવે છે. દવા, સોનોગ્રાફી સહિતની તમામ સુવિધા નિઃશુલ્ક મળે છે.”

જામલીયાના જવળાભાઈ પાડવીએ જણાવ્યું, “પત્નીને ઝાડા-ઉલટી થયા ત્યારે અહીં લેબોરેટરી સુવિધા હોવાથી ધરમપુર જવું પડ્યું નહીં. અહીં જ સારવાર મળી અને હવે સારું છે.”

પિંડવળ સીએચસીના સુપરિન્ટેન્ડન્ટ ડો. જિતેશ રાઉતે જણાવ્યું કે, “ડેન્ટલ, ફિઝીયોથેરાપી, ચાઈલ્ડ માલન્યુટ્રિશન, ડિલિવરી, લેબોરેટરી, એક્સ-રે સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. છેલ્લા ત્રણ વર્ષમાં વિવિધ વિશેષજ્ઞ તબીબોની સેવા ઉમેરાઈ છે.” છેલ્લા વર્ષે અહીં 1417 એક્સ-રે, 51,446 લેબોરેટરી ટેસ્ટ અને 217 પ્રસૂતિ થઈ છે. આ સહયોગી મોડેલ અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણાદાયી છે. રાજ્ય સરકાર અને સેવાભાવી સંસ્થાઓ વચ્ચેના આવા સંયુક્ત પ્રયાસો છેવાડાના આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને મજબૂત બનાવી રહ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here