ગુજરાત: ઉંમરગામથી અંબાજી સુધીના આદિવાસી બહુમતીવાળા જિલ્લાઓમાં વર્ષોથી પેન્ડિંગ પડેલા જમીન વિવાદો, વારસાઈ અને સીમાડાના પ્રશ્નોના 90 દિવસમાં નિકાલ કરવા અને વિના મૂલ્યે વારસાઈ નામ દાખલ કરવા માટે નવસારી જિલ્લા આદિવાસી સમાજના પ્રમુખ તેમજ ખેરગામ છાંયડો હોસ્પિટલના ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો. નિરવ ભૂલાભાઈ પટેલે રાજ્યના રેવન્યુ વિભાગને વિગતવાર રજૂઆત કરી છે.

ગુજરાતના ૧૪ આદિવાસી બહુમતી જિલ્લાઓમાં ભૌગોલિક અને આર્થિક રીતે પછાત વિસ્તારોમાં જમીનના 7/12 અને 8-અ રેકોર્ડમાં વારસદારોના નામ દાખલ ન થવાને કારણે હજારો આદિવાસી પરિવારો સરકારી યોજનાઓ, કૃષિ સહાય, બેંક લોન અને અન્ય લાભોથી વંચિત રહી જાય છે. આ સમસ્યાને લક્ષમાં રાખીને ડો. પટેલે સરકારને કેટલીક મહત્વની માંગણીઓ કરી છે.

મુખ્ય માંગણીઓ:
• તમામ આદિવાસી જમીન વિવાદો, સીમાડા વિવાદો અને વન જમીન (FRA) કેસોના નિકાલ માટે 90 દિવસની સમયમર્યાદા નક્કી કરવામાં આવે.
• તાલુકાવાર તલાટી-કમ-મંત્રી અને સર્કલ ઓફિસર દ્વારા ગામડાઓમાં ખાસ કેમ્પ યોજીને વિના મૂલ્યે વારસાઈ નામ દાખલ કરવામાં આવે.
• આદિવાસી વિસ્તારો માટે ખાસ ફાસ્ટ-ટ્રેક કોર્ટ અથવા સાપ્તાહિક મહેસૂલી અદાલત ઊભી કરવામાં આવે.
• ગાંધીનગર કક્ષાએથી સીધું મોનિટરિંગ માટે ઓનલાઈન પોર્ટલ અથવા ડેશબોર્ડ તૈયાર કરવામાં આવે, જેથી સાપ્તાહિક ટ્રેકિંગ થઈ શકે કે કયા જિલ્લામાં કેટલા કેસોનો નિકાલ થયો.

ડો. નિરવ ભૂલાભાઈ પટેલે જણાવ્યું હતું કે, “આદિવાસી પરિવારો પર વધારાનો આર્થિક ભારણ ન પડે અને કોર્ટ-કચેરીના ધક્કા ખાવા ન પડે તે માટે આ પગલાં લેવા અત્યંત જરૂરી છે. આદિવાસી સમાજના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે સરકારે આ બાબતે અંગત રસ લેવો જોઈએ.” આ રજૂઆતમાં આદિવાસી સમાજના વ્યાપક સમર્થનની અપેક્ષા છે. આદિવાસીઓના હક્કો અને વિકાસને લગતા મુદ્દાઓ પર સરકાર ત્વરિત કાર્યવાહી કરશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here