ગુજરાત/મધ્યપ્રદેશ/ઝારખંડ: ડેમ, ખાણ અને વિકાસ પ્રોજેક્ટ્સના નામે હજારો આદિવાસી પરિવારો પેઢીઓથી વારસાગત જમીન અને જીવન-આધાર ગુમાવી રહ્યા છે. જ્યાં એક સમયે લીલાં ખેતરો અને જંગલો હતાં, ત્યાં આજે માત્ર ખાલીપો અને વિસ્થાપનની વેદના બાકી છે. વળતરના નામે ચાલતા કથળેલા વહીવટ અને ભ્રષ્ટાચારે આદિવાસી સમાજને ગંભીર આઘાત પહોંચાડ્યો છે.
સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તૈયાર કરવામાં આવતા ખોટા આંકડા, અધૂરી વસ્તી ગણતરી અને વચેટિયાઓની મિલીભગતને કારણે હક્કદાર આદિવાસીઓને યોગ્ય વળતર કે પુનર્વસન મળતું નથી. આ સ્થિતિ સામે આદિવાસી સમાજે ‘ચિતા આંદોલન’ જેવા વિવિધ આંદોલનો શરૂ કર્યા છે. આ આંદોલન માત્ર વિરોધનું નથી, પરંતુ અસ્તિત્વની લડાઈ છે.

આદિવાસી નેતાઓ અને પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર, “વિકાસ તો સૌ માટે હોવો જોઈએ, પરંતુ તે આદિવાસીઓના લોહી-પરસેવાની કિંમતે નહીં.” અનેક વિસ્તારોમાં પ્રોજેક્ટ અમલીકરણ દરમિયાન આદિવાસીઓને પુનર્વસનની જગ્યાએ માત્ર કાગળી વ્યવસ્થા આપવામાં આવી છે. ઘણા કિસ્સાઓમાં વળતરની રકમ પણ વચેટિયાઓના હાથમાં જતી રહી છે. આ મુદ્દે હવે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) સુધી ફરિયાદ પહોંચી છે. આદિવાસી સંગઠનો અને સામાજિક કાર્યકર્તાઓએ વિગતવાર અરજી કરીને તેમના હક્કોનું રક્ષણ અને યોગ્ય પુનર્વસનની માંગ કરી છે. તેઓ આશા રાખે છે કે કેન્દ્ર સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લઈને ત્વરિત તપાસ અને ન્યાયની પ્રક્રિયા શરૂ કરશે.

‘લાખો આંસુઓનો અવાજ’
આ આંદોલનમાં સામેલ આદિવાસી મહિલાઓ અને યુવાનો કહે છે કે, “અમારી જમીન અમારી માતા છે. તેને છીનવીને અમને ક્યાં મોકલવામાં આવી રહ્યા છીએ?” વિકાસના નામે વિસ્થાપનના કારણે સંસ્કૃતિ, પરંપરા અને આજીવિકા બંને જોખમમાં છે.
આદિવાસી અધિકારોના વિશ્લેષકોનું માનવું છે કે વિકાસ પ્રોજેક્ટ્સ અમલમાં મૂકતી વખતે ‘પુનર્વસન અને વળતર’ની વ્યવસ્થા માત્ર કાયદા પર કાગળે જ નહીં, પરંતુ વાસ્તવિકતામાં પણ અમલી બનાવવી જોઈએ. સરકારે ‘સબકા સાથ, સબકા વિકાસ’ના મંત્રને વ્યવહારમાં ઉતારવા માટે આદિવાસીઓના હિતોને પ્રાથમિકતા આપવી જરૂરી છે.
હાલમાં આ ફરિયાદ પર PMO અને સંબંધિત મંત્રાલયોની પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે. આદિવાસી સમાજ ન્યાયની આશા સાથે આંદોલનને વધુ મજબૂત બનાવવાની તૈયારીમાં છે.











