મોરબી: જેતપર ગામે ખેડૂતો હાઈ ટેન્શન વીજ લાઇન/પોલના નિર્માણ અને અપૂરતા વળતરના વિરોધમાં 8-12 જૂન 2026 દરમિયાન ખેડૂતો આંદોલિત છે. તેઓ રસ્તા પર ઉતર્યા હતા. પોલીસે લાઠીચાર્જ કર્યો, મહિલાઓ સહિત ખેડૂતો પર બળપ્રયોગ કર્યો. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામે 4 જૂન 2026ના રોજ વીજપોલ/લાઇન મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોઢ ગામે વીજ ટાવર નાખવાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન થયું. સુરત જિલ્લાના સેવણી, માંડવી, પલસાણા વગેરે તાલુકામાં 765 KV લાઇનના વિરોધમાં ધરણા પ્રદર્શન થયાં. જામનગર/ દ્વારકા/ કચ્છ વગેરે જિલ્લામાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.
15 જૂન 2026ના રોજ, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા ‘ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર યાત્રા’/ ‘ખેડૂત એકતા મહારેલી’નું આયોજન થયું છે.
અમદાવાદના શાંતિપુરા સર્કલ (SP રિંગ રોડ)થી સવારે 10 વાગ્યે શરૂ થઈને ગાંધીનગર સુધી 1111 ટ્રેક્ટરો સાથે વિશાળ ટ્રેક્ટર રેલી/કૂચ યોજાશે. હજારો ખેડૂતો રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી જોડાશે. ગાંધીનગરમાં સરકાર સમક્ષ માંગણીઓ રજૂ કરવામાં આવશે.
ખેડૂતોનું કહેવું છે કે સરકાર ખેડૂતોને અવગણી રહી છે, જેના કારણે ખેડૂતોનું અસ્તિત્વ જોખમમાં છે. ખેડૂતોની કઈ કઇ માંગણીઓ છે?
[1] ખેતી દેવા માફી: ગુજરાતના 56 લાખ ખેડૂતો પરના આશરે ₹96,000 કરોડના દેવાની સંપૂર્ણ માફી (અન્ય રાજ્યોની જેમ).
[2] મફત વીજળી: ખેતી માટે મફત વીજળી (8 કલાક સળંગ, મીટર પ્રથા બંધ).
[3] વીજ થાંભલા/ લાઈનો: ખેતરમાં વીજ થાંભલા દીઠ માસિક ભાડું (30,000 રૂ. સુધીની માંગ) અને પર્યાપ્ત વળતર. વીજપોલ નાખવામાં જબરદસ્તી ન કરવી.
[4] જમીન મુદ્દા: જમીન માપણી અને કાપણી (સેટેલાઇટ સર્વે)ની પ્રક્રિયા બંધ કરો; અન્યાયી સંપાદન રોકો.
[5] ભાવ અને MSP: ખેત પેદાશો (મગફળી, કપાસ વગેરે) અને દૂધ માટે MSP અને ખરીદીની ગેરંટી; દૂધ પર સબસિડી (5 રૂ./લીટર).
[6] ઇનપુટ ખર્ચ: ખાતર, બિયારણ, ડીઝલ વગેરે પર સબસિડી અને વ્યાજબી ભાવ.
[7] નકલી રાસાયણિક ખાતરો/ નકલી જંતુનાશક દવાઓ/ નકલી બિયારણોથી ખેડૂતોને બચાવો.
જો માંગણીઓ સ્વીકારાય નહીં તો વધુ અહિંસક/ શાંતિપૂર્ણ આંદોલન (રસ્તા રોકો વગેરે)ની ચેતવણી આપવામાં આવી છે.
▪️
હાલ ખેડૂતો પોતાના ખેતરમાં વીજપોલ ઊભા કરવા સામે આંદોલન કરી રહ્યા છે. મહિલાઓને ઢસડીને પોતાના જ ખેતરમાંથી પોલીસ કાઢી રહી છે. પોલીસ ખેડૂતોની બોચી પકડીને દાદાગીરી કરે છે. પોલીસ કોર્પોરેટ કંપનીની ગુલામ બની ગઈ છે. કોર્પોરેટ કંપનીઓ સરકાર ચલાવે છે એટલે સમસ્યા તો રહેવાની.
દરેક ખેડૂતોએ જાગૃત થવાની જરુર છે. વીજપોલ નાખવાવાળી કોઈ પણ કંપની વાળા જો ખેતરમાં આવે તો આટલા આધાર પુરાવા જરૂર માંગો:
[1] ગુજરાત સરકારના એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ વિભાગની મંજૂરી.
[2] ભારત સરકાર, મિનિસ્ટ્રી ઓફ પાવરની મંજૂરીનો પત્ર.
[3] જિલ્લા કલેકટર દ્વારા ઓછામાં ઓછી ત્રણ નોટિસ. (અને તમારી રજૂઆત સાંભળેલી હોવી જોઈએ.)
[4] રાઈટ ઓફ વેનું કામ કરતી કંપની દ્વારા તમારી સાથે વળતર વિશે ચર્ચા થયેલ હોવી જોઈએ.
[5] ઇન્ડિયન ટેલિગ્રામ એક્ટ ના 1885ની કલમ-16 (1 )હેઠળ નોટિસ મળેલી હોવી જોઈએ.
[6] પોલીસ બંદોબસ્ત અંગે પોલીસ વિભાગનો મંજૂરી પત્ર હોવો જોઈએ .
[7] ઊભી થઈ રહેલ લાઈનનું ગેજેટ, રૂટ, GPS લોકેશન અને વળતરના ક્રાઇટેરિયા તેમજ વળતર કોના દ્વારા કેવી રીતે આપવામાં આવશે તેના પૂરતા કાગળો હોવા જોઈએ.
ઉપર મુજબ ખેડૂતો તકેદારી લે ત્યારે વીજપોલ કંપનીના અધિકારીઓ/ પોલીસ ખેડૂતો સાથે અમાનવીય વ્યવહાર કરે છે. સ્થાનિક ધારાસભ્યો/ સંસદસભ્યો/ જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખો મોંમાં જોડા ભરાવીને મૌન રહે છે. એમને ખ્યાલ છે કે ચૂંટણી ટાણે ધર્મના ડાકલાં વગાડીને મતો ખંખેરી શકાશે !
ખેડૂતો તંત્રથી ત્રાસી ગયા છે. એક ઉદાહરણ જોઈએ: મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના દહીસરા ગામના જયસુખભાઈ રામજીભાઈ વાડિયાએ, 6 ડિસેમ્બર 2025ના રોજ IPC કલમ-406/ 420/ 427/ 114 હેઠળ માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં જેટકો કંપનીના નાયબ ઈજનેર જે.એમ. વિરમગામ તથા પંચો સામે ફરિયાદ નોંધાવી છે. દહીસરા ગામની સર્વે નંબર 576/1 પૈકી 2 વાળી જમીનમાં પ્રવેશ દરવાજાને તથા પાકને નુકસાન કરી ફરિયાદીની મંજૂરી વિના, આરોપીઓએ જેતે કંપનીના 132 કે.વી. વીજલાઈનનો થાંભલો AP-4 નાખી, ફરિયાદીને વળતર ન ચૂકવી, વળતર ચૂકવવાના ખોટા પંચનામામાં સહીઓ કરી, જુદા જ સર્વે નંબર-576/1 પૈકી 1ના માલિક કચરાભાઈ લાખાભાઈ રુપિયા 2,66,915/- વળતર ચૂકવી ફરિયાદી સાથે છેતરપિંડી કરેલ.
બન્યું એવું કે ફરિયાદીના પિતા રામજીભાઈનું 6 જાન્યુઆરી 2017ના રોજ અવસાન થયું હતું, પરંતુ 1 વર્ષ 23 દિવસ બાદ આ મૃતક રામજીભાઈને જીવતા કર્યા અને કલેક્ટર સમક્ષ સુનાવણીમાં હાજર પણ રહ્યા! હજુ ફરિયાદી જયસુખભાઈને ન્યાય નથી મળ્યો ! આવું છે તંત્ર !
BY: રમેશ સવાણી [13 જૂન 2026]











