નાનાપોંઢા: વિશ્વ પર્યાવરણના દિવસે સમગ્ર ગુજરાતમાં યોજાયેલી ગ્રામસભાની જેમ વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના માંડવા ગામમાં પણ ગ્રામસભા યોજાઈ હતી જેમાં ક્વોરી અને ક્રશર પ્લાન્ટ બંધ કરવા બાબતે રજૂઆત કરતાં બબાલના દ્રશ્યો ઉભા થયા હતા અને સરપંચ દશમાભાઈ મનસુભાઈ ધનારિયા અપશબ્દો બોલતો વીડિયો વાયરલ થયો હતો. સરપંચે પોતાનું હલકટ પણું બતાવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ માંડવા ગામના સરપંચ દશમાભાઈ મનસુભાઈ ધનારિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી ગ્રામસભામાં ગામના જાગૃત યુવાન આનંદકુમાર ધાકલભાઇ થોરાતે વિસ્તારમાં ચાલતી કરી ક્વોરી અને ક્રશર પ્લાન્ટ બંધ કરાવવા બાબતે કેમ ઉપલા સ્તરે ફરિયાદ નથી કરાતી ? તેવો પ્રશ્ન પૂછતાં સરપંચ અકળાયા અને અચાનક ઉશ્કેરાયેલા સરપંચે રજૂવાતકર્તા યુવાનને અપશબ્દો બોલી મહિલાઓની હાજરીમાં ગાળો ભાડી હતી, સરપંચે અપશબ્દો બોલાતા ગ્રામજનોએ સરપંચને ગાળો કેમ આપો છો ? મર્યાદામાં વાત કરો, તેવી ટકોર કરી તો સરપંચે પિત્તો ગુમાવ્યો હતો અને વધુ ગાળો બોલી દીધી હતી. સરપંચના આ બેશરમીના કૃત્યને રોષે ભરાયેલા આનંદ કુમારે આખી ઘટનાનો વિડીયોગ્રાફી કરી સોશ્યલ મીડિયામાં વાયરલ કરી વલસાડ કલેકટરને અપીલ કરી છે કે, સમગ્ર તપાસ કરાવીને સરપંચ સામે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે
સરપંચ દશમાભાઇ ધનારિયા સામે ગ્રામજનોએ આક્ષેપ કરતાં કહ્યું કે , સરપંચે વૃક્ષારોપણના સરકારી કાર્યક્રમ દરમિયાન પોતાના શરીર પર ભાજપનો કેસરી ખેસ ધારણ કર્યો હતો. ગામના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જાહેર સરકારી કાર્યક્રમોમાં રાજકીય ઓળખ પ્રદર્શિત કરવી એ કેટલા અંશે યોગ્ય છે તે બાબતે પણ લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. માંડવા ગામના સરપંચ દશમાભાઇ અગાઉ કોંગ્રેસ પક્ષમાં હતા તે પછી આપમાં જોડાયા હતા અને હવે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી અગાઉ તેઓ ભાજપમાં જોડાયા બાદ તેમની પુત્રવધુને માંડવા જિ.પં.ની બેઠક માટે ભાજપે ટીકિટ ફાળવી હતી જે હાલમાં હોદ્દા પર છે











