સુરત: અરેઠ, માંડવી અને માંગરોળ તાલુકાના વસાવા સમાજના સંયુક્ત ઉપક્રમે તડકેશ્વર ખાતે ધોરણ 10 અને 12માં ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજના આગેવાનો, વડીલો, માતા-પિતા તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Decision News ને મળેલી જાણકારી મુજબ વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે વધુ રસ જાગે અને તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજ તથા દેશનું નામ રોશન કરે તે હેતુથી સફળ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓને નોટબુક અને દફતરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાયરૂપ બનવાનો હતો. સમાજના આગેવાનોએ શિક્ષણનું મહત્વ સમજાવતાં વિદ્યાર્થીઓને મહેનત, લગન અને શિસ્ત સાથે અભ્યાસ કરવાની અપીલ કરી હતી. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતું પરંપરાગત આદિવાસી નૃત્ય રહ્યું હતું. વિરપોર અને આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓએ રંગબેરંગી પરંપરાગત વેશભૂષામાં મનમોહક નૃત્ય રજૂ કરી સૌનું મન જીતી લીધું હતું. ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટ સાથે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમ દ્વારા સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આગળ વધવા માટે પ્રેરણા આપવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમાજના આગેવાનોનું માનવું છે કે શિક્ષણ જ વિકાસનો સાચો માર્ગ છે અને આવી પ્રવૃત્તિઓ દ્વારા વધુને વધુ વિદ્યાર્થીઓને સફળતાની નવી ઊંચાઈઓ સર કરવા પ્રેરણા મળશે.











