અંબિકા: આદિવાસી વિસ્તારના અંબિકા તાલુકાના વહેવલ ગામના વતની, અગ્રગણ્ય સમાજ સુધારક અને સહકારી ક્ષેત્રના ભીષ્મપિતામહ એવા સ્વ. પરભુભાઈ બુધાભાઈ પટેલનું ગત 12 જુલાઈ 2026 ના રોજ અવસાન થયું હતું. આજે મુશળધાર વરસાદ વચ્ચે તેમના નિવાસસ્થાન વહેવલના ‘નવા આશ્રમ ફળિયા’ ખાતે બારમાની વિધિ યોજાઈ હતી. આ પ્રસંગે તેમના પરિવારે પરંપરાગત રૂઢિચુસ્ત રિવાજોથી પર જઈને ઉપસ્થિત લોકોને ફળાઉ રોપાઓનું વિતરણ કરીને પર્યાવરણ જતન અને સામાજિક વિઝનનો એક અનોખો સંદેશો આપ્યો છે.
સ્વ. પરભુભાઈ પટેલે આજીવન સમાજ, શિક્ષણ અને સહકાર ક્ષેત્રે પાયાનું કાર્ય કર્યું હતું. તેઓ વહેવલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સ્થાપક પ્રમુખ, શ્રી મહુવા તાલુકા ગ્રામ સેવા સમાજ (કચ્છેલિયા) ના ટ્રસ્ટી, પૂર્વ સુરત જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સદસ્ય રહ્યા હતા. આ ઉપરાંત, અનાવલ હાઇસ્કૂલ, સહકારી રાઇસમીલ, પ્રિન્ટિંગ પ્રેસ અને પિયત મંડળી જેવી અનેક સંસ્થાઓમાં તેમણે નેતૃત્વ પૂરું પાડ્યું હતું. અનાવલ જંગલ મંડળીમાં તેમના પ્રામાણિક વહીવટ અને વહેવલ ગામના જંગલ વિસ્તારના સંવર્ધનમાં તેમનું સિંહફાળો રહ્યો હતો.
વરસતા વરસાદ વચ્ચે પણ મોટી સંખ્યામાં સ્વજનો, સ્નેહીઓ અને ગ્રામજનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. પિતાના પ્રકૃતિપ્રેમ અને પર્યાવરણ જતનના વિચારોને જીવંત રાખવા માટે પરિવાર દ્વારા કરવામાં આવેલા આ રોપાવિતરણની નવીન પહેલને સમગ્ર વિસ્તારમાં વ્યાપક આવકાર અને બિરદાંજલિ મળી રહી છે.











