ગુજરાત: ગુજરાત પોલીસ અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (CCOE) દ્વારા ચલાવવામાં આવેલું એક વિશેષ અભિયાન છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સાયબર ફ્રોડ (ઠગાઈ)માં વપરાતા મ્યૂલ અકાઉન્ટ્સ (Mule Accounts)ને ટાર્ગેટ કરવાનો છે. મ્યૂલ અકાઉન્ટ એવા બેંક ખાતા છે જે સાયબર ગુનેગારો ઠગાઈથી મેળવેલા પૈસાને રિસીવ કરવા, ટ્રાન્સફર કરવા અને લોન્ડરિંગ (પૈસાને સાફ કરવા) માટે વાપરે છે. આ ખાતાના માલિકોને સામાન્ય રીતે થોડી કમિશન આપીને લલચાવવામાં આવે છે. આવા ખાતા દ્વારા લાખો-કરોડો રૂપિયાના ફ્રોડ પૈસા એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવામાં આવે છે.
2025માં, ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0 ચલાવવામાં આવ્યું. તેમાં ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો. 565 FIR નોંધાઈ. 638 આરોપીઓની ધરપકડ. 913 મ્યૂલ અકાઉન્ટ્સ સામે કાર્યવાહી થઈ. આ અભિયાનમાં I4C (Indian Cyber Crime Coordination Centre), National Cyber Crime Reporting Portal અને 1930 હેલ્પલાઈનના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાજ્યના તમામ પોલીસ કમિશનરેટ, રેન્જ અને સાયબર સેલ સાથે સંકલિત કાર્યવાહી કરવામાં આવી.
2026માં, ઓપરેશન મ્યૂલ હન્ટ 2.0 શરૂ થયું. ₹622 કરોડ+ના કેસ દાખલ થયા છે. આ ગુના માટે Prevention of Money Laundering Act (PMLA) 2002 હેઠળ 3 વર્ષથી 7 વર્ષ સુધી સખ્ત કેદ + દંડ થાય. BNS-ભારતીય ન્યાય સંહિતા હેઠળ Cheating (ઠગાઈ), Criminal Conspiracy, Dishonest misappropriation વગેરે કલમો હેઠળ 1 થી 7 વર્ષ સુધી કેદ થાય. Information Technology Act (IT Act) 2000ની કલમ- 66C, 66D હેઠળ 3 વર્ષ સુધી કેદ + દંડ થાય. જો કે હજુ સુધી કોઈને સજા થઈ નથી. મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સાયબર ક્રાઈમની ફાઈનાન્શિયલ પાઈપલાઈનને તોડવી, જેથી ઠગાઈના પૈસા આગળ વધી ન શકે. આ અભિયાનને ડેટા-ડ્રિવન અને સર્જિકલ સ્ટ્રાઈક તરીકે જોવામાં આવે છે.
પોલીસ મ્યૂલ અકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરે તે સારી બાબત છે. આર્થિક ગુનાઓ અટકવા જ જોઈએ. પરંતુ ગરીબ/ મધ્યમ વર્ગના લોકો સાથે આર્થિક છેતરપિંડી થાય છે તેની પોલીસ FIR નોંધતી નથી. વ્યાજખોરો/ ગુંડાઓએ લોકોને ત્રાસ આપે છે તેની ફરિયાદ પોલીસ નોંધતી નથી. આ બાબતે ગૃહમંત્રીએ જાગૃત થવાની જરુર છે.
BY: રમેશ સવાણી











