ગુજરાત: ગુજરાત રાજ્યમાં કતલખાનાઓની અધધ સંખ્યા,આદિવાસી સમાજની પરંપરાગત ધાર્મિક ભાવનાઓ તથા ગૌમાતા પ્રત્યેની આસ્થા ધ્યાને લઈ ગાયને “રાષ્ટ્રીય પશુ” જાહેર કરવા તથા ગૌહત્યા અને ગેરકાયદેસર કતલખાનાઓ સામે કડક કાર્યવાહી કરવા બાબતે આદિવાસી સમાજની સરકારને કરી રજૂઆત છે.
ગુજરાતનો આદિવાસી સમાજ પ્રકૃતિ,પશુ-પક્ષીઓ અને પર્યાવરણ સાથે અત્યંત પ્રાચીન સમયથી અવિભાજ્ય રીતે જોડાયેલો છે. ગાય, બળદ અને અન્ય પશુઓ માત્ર પશુ નથી, પરંતુ આદિવાસી જનજીવન, સંસ્કૃતિ, કૃષિ અને ધાર્મિક પરંપરાના અભિન્ન અંગ છે.આદિવાસી સમાજમાં વાઘબારસ જેવા પર્વના પ્રસંગે ગાય, બળદ તથા અન્ય પશુઓનાં શિંગડાં રંગીને તેમને શણગારવામાં આવે છે અને તેમની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવે છે. કપરાડા તથા ગુજરાતના અન્ય આદિવાસી વિસ્તારોમાં સ્થાનિક પરંપરાઓ અનુસાર ગૌમાતા અને પશુધનની પૂજા સાથે જોડાયેલા ઉત્સવો આજે પણ લોકજીવનમાં જીવંત છે.
આદિવાસી સમાજની પરંપરામાં પશુ પ્રત્યેનો સંબંધ માત્ર આર્થિક નથી.કોઈ પશુનું મૃત્યુ થાય ત્યારે પણ તેને માનવ પરિવારના સભ્ય સમાન અંતિમ વિધિ અને સન્માન આપવામાં આવે છે. પશુધન પ્રત્યેની આ લાગણી પેઢી દર પેઢી ચાલતી આવેલી સાંસ્કૃતિક પરંપરા છે.વિશેષરૂપે, ગાયનું દૂધ પણ પ્રથમ હક તેના વાછરડાનો છે, એવી ભાવના અનેક આદિવાસી પરિવારોમાં જોવા મળે છે. આથી ગૌસેવા, પશુપ્રેમ અને પ્રકૃતિપ્રેમ આદિવાસી જીવનશૈલીના મૂળભૂત મૂલ્યો છે.ટૂંક સમયમાં પોળાનો તહેવાર (બૈલ પોળા)નો તહેવાર આવનાર છે. ગુજરાતના સરહદી વિસ્તારોમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
ગુજરાતના દક્ષિણ છેડે મહારાષ્ટ્રની સરહદ પર આવેલા ડાંગ (આહવા) જિલ્લામાં વસતા ૯૫% થી વધુ આદિવાસી અને ખેડૂત પરિવારો આ તહેવારને પોતાની પરંપરાગત શૈલીમાં ખૂબ મોટા પાયે ઉજવે છે.ઉપરાંત મહારાષ્ટ્ર રાજ્યની સરહદને અડીને આવેલા તાપી, વલસાડ અને નવસારી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં ખેતી મુખ્ય વ્યવસાય છે, ત્યાં ખેડૂતો આ ઉત્સવ મનાવે છે.આ દિવસે ડાંગ અને અન્ય સરહદી ગામોમાં ખેડૂતો પોતાના બળદોને નવડાવી, તેમના શિંગડાને રંગીન કલર અને બેગડીથી શણગારે છે.બળદો પાસે કોઈ કામ કરાવવામાં આવતું નથી.ગામડાઓમાં બળદોની દોડનું આયોજન પણ કરવામાં આવે છે અને સાંજે સામૂહિક પૂજા થાય છે.નાના બાળકો માટે માટી અથવા લાકડાના બળદ લાવીને પૂજા કરવાની અને રમવાની પરંપરા છે.આ તહેવાર મહારાષ્ટ્ર,મધ્ય પ્રદેશ,છતીસગઢ,ઝારખંડના આદિવાસી વિસ્તારોમાં ભારે લોકપ્રિય છે.
આવી ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવનાઓ ધરાવતા આદિવાસી સમાજ માટે ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાનાઓ, ગૌહત્યા તથા પશુઓ પ્રત્યેની ક્રૂરતા અત્યંત દુઃખદ અને ભાવનાત્મક રીતે પીડાદાયક બાબત છે. આથી સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ અને ખેરગામના યુથલીડર ડો.નિરવ ભુલાભાઇ પટેલે સરકાર સમક્ષ માંગ કરતા જણાવ્યું છે કે
1. ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ભારત સરકાર સમક્ષ સત્તાવાર ભલામણ કરવામાં આવે.
2. ગુજરાતની આદિવાસી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓમાં ગૌમાતાના વિશેષ સ્થાનને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવે.
3. ગૌહત્યા તથા પશુઓની ગેરકાયદેસર હેરફેર સામે રાજ્યમાં ઝીરો-ટોલરન્સ નીતિ અપનાવવામાં આવે.
4. રાજ્યમાં ચાલતા તમામ કતલખાનાઓનું કાયદેસર લાઇસન્સ, પર્યાવરણ મંજૂરી, પશુ કલ્યાણના નિયમો તથા અન્ય જરૂરી પરવાનગીઓ અંગે વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવે.
5. ગેરકાયદેસર કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવી જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે.
6. આદિવાસી વિસ્તારોમાં ગૌસેવા, પશુ આરોગ્ય, પશુ રસીકરણ, ચારો તથા ગૌશાળા જેવી સુવિધાઓ માટે વિશેષ “આદિવાસી ગૌસેવા અભિયાન” શરૂ કરવામાં આવે.
7. વાઘબારસ તથા અન્ય પરંપરાગત પર્વો દરમિયાન આદિવાસી સમાજની સ્થાનિક પશુપૂજા પરંપરાઓનું દસ્તાવેજીકરણ અને સંરક્ષણ કરવામાં આવે.
8. શાળાઓ તથા ગ્રામ્ય વિસ્તારોમાં પશુપ્રેમ, પ્રાણી કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ અને આદિવાસી પરંપરાગત જ્ઞાન અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે.
9. આદિવાસી સમાજના આગેવાનો, ગ્રામસભાઓ તથા પરંપરાગત સંસ્થાઓ સાથે પરામર્શ કરીને ગૌસેવા અને પશુ કલ્યાણ માટે વિશેષ રાજ્યસ્તરીય નીતિ બનાવવામાં આવે.
વધુમા તેમણે ઉમેર્યું હતું કે,આ રજૂઆત કોઈ એક સમાજની લાગણી પૂરતી મર્યાદિત નથી, પરંતુ પશુપ્રેમ, પ્રકૃતિ સંરક્ષણ, આદિવાસી સાંસ્કૃતિક વારસો અને અહિંસાની ભાવનાને મજબૂત બનાવવાની દિશામાં એક સામાજિક અને સાંસ્કૃતિક પહેલ છે.











