ટુકેદ: 9 ઓગસ્ટ ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી રાજ્યભરમાં ધામધૂમથી કરવામાં આવી હતી, ત્યારે ટુકેદ ગામે આ દિવસની ઉજવણી એક અનોખી અને પર્યાવરણપ્રેમી રીતે કરીને સમાજ સામે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મા તુળસાઈ ભવાની ટ્રસ્ટ (ટુકેદ)ના સહયોગથી ટુકેદ તેમજ મધરકુઈ ગામના યુવાનો, યુવતીઓ અને વડીલોએ સાથે મળીને પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ આપ્યો હતો.

આદિવાસી સમાજનો પ્રકૃતિ સાથેનો જોડાણ સદીઓ જૂનો રહ્યો છે. આ પરંપરાગત જોડાણને વધુ મજબૂત કરવાના આશયથી વિશ્વ આદિવાસી દિવસને માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમ પૂરતો સીમિત રાખવાને બદલે, ગ્રામજનોએ સ્થાનિક ફળાઉ વૃક્ષોના બીજનો ઉપયોગ કરીને મોટી સંખ્યામાં ‘સીડબોલ’ તૈયાર કર્યા હતા.

આ ઉજવણીની સૌથી ખાસ વાત એ રહી કે, ગ્રામજનોએ માત્ર સીડબોલનું વાવેતર કરીને સંતોષ ન માન્યો, પરંતુ તે સીડબોલમાંથી પૂર્ણ વટવૃક્ષ ન બને ત્યાં સુધી તેના ઉછેર અને સંરક્ષણની જવાબદારી સામૂહિક તથા સ્વૈચ્છિક રીતે સ્વીકારી હતી. ગામમાં હરિયાળી વધારવા અને આવનારી પેઢી માટે પર્યાવરણ સુરક્ષિત કરવાના આ સામૂહિક પ્રયાસે પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે પ્રશંસા મેળવી છે. યુવાધન અને વડીલોના આ સહિયારા સાહસે સાબિત કરી બતાવ્યું છે કે પર્યાવરણનું જતન એ જ આદિવાસી સંસ્કૃતિનો સાચો સંદેશ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here