ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના શિંગારમાળ કોરવળ અને આસપાસના ગામોમાં વન વિભાગ દ્વારા ખેતરોની આસપાસ કરવામાં આવેલી ફેન્સિંગને કારણે ખેડૂતો પોતાના જ ખેતરમાં પ્રવેશી શકતા નથી. આ કારણે તેમની સામાન્ય ખેતીકામની પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે અટકી ગઈ છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ આ વિરુદ્ધ ભારે વિરોધ નોંધાવ્યો છે. તેઓનું કહેવું છે કે છેલ્લા ૨૫ થી ૩૦ વર્ષથી તેઓ આ જમીનો પર ખેતી કરી રહ્યા છે અને ૨૦૦૨ પહેલાંથી આ જમીનોનો કબજો અને વપરાશ કરતા આવ્યા છે. ખેડૂતોએ જણાવ્યું કે તેઓ કાયદાકીય પ્રક્રિયા અને નિયમોનું પાલન કરવા તૈયાર છે. પરંતુ અચાનક વન વિભાગ દ્વારા કરવામાં આવેલી ફેન્સિંગ તેમના આજીવિકાના મુખ્ય સાધન પર સીધો ફટકો છે. આ કારણે ખેતી, પાકની સંભાળ અને લણણી જેવી પ્રવૃત્તિઓ અટકી ગઈ છે, જેનાથી આર્થિક નુકસાન થઈ રહ્યું છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે વન વિભાગે વિસ્તારને જંગલ તરીકે દર્શાવીને આ કાર્યવાહી કરી છે, જ્યારે વાસ્તવમાં આ જમીનો વર્ષોથી ખેતી માટે વપરાતી આવી છે. આ મામલે ખેડૂતો વહીવટી તંત્ર અને વન વિભાગ સમક્ષ તાત્કાલિક રાહતની માંગ કરી રહ્યા છે. જો સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો વધુ તીવ્ર આંદોલન કરવાની તૈયારી પણ ચાલી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here