વલસાડ: રાજ્યકક્ષાએ યોજાયેલી બીજી (2જી) જુનિયર વુશુ હરીફાઈમાં વલસાડ જિલ્લાના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં વલસાડ જિલ્લાના કુલ પાંચ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી ‘તાવનું’ રમત પ્રકારમાં બે ખેલાડીઓએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને ઝળહળતી સફળતા મેળવી છે.
સ્વર્ણચંદ્રક વિજેતા ખેલાડીઓ: તરલ પી. પટેલ – ગોલ્ડ મેડલ (મરેલા હાઇસ્કૂલ) મીત પી. પટેલ – ગોલ્ડ મેડલ (દીવાલય સ્કૂલ, ફૂલવાડી – ધરમપુર) રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં બન્ને ખેલાડીઓએ પોતાની શાનદાર રમત અને કૌશલ્યના બળે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિના આધારે હવે તેમની તમિલનાડુ ખાતે યોજાનારી નેશનલ વુશુ સ્પર્ધા (રાષ્ટ્રીય કક્ષા) માટે પસંદગી કરવામાં આવી છે.
ખેલાડીઓની આ વિશેષ સિદ્ધિ બદલ વુશુ કોચ શ્રી વિમલ વી. પટેલ અને માસ્ટર હિતેશભાઈ પ્રજાપતિ દ્વારા તેમને ખાસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાએ વલસાડનું નામ રોશન કરનાર તમામ ખેલાડીઓ તેમજ કોચિંગ સ્ટાફને શાળા પરિવાર અને રમતગમત પ્રેમીઓ તરફથી હાર્દિક અભિનંદન અને આગામી રાષ્ટ્રીય સ્પર્ધા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.











