વડોદરા: વડોદરા કબડ્ડી એસોસિએશન અને ગુજરાત કબડ્ડી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી 52મી ગુજરાત રાજ્ય કબડ્ડી સ્પર્ધામાં વલસાડ જિલ્લાની જુનિયર ભાઈઓની ટીમે શાનદાર રમત દાખવીને સમગ્ર રાજ્યમાં બીજું સ્થાન (દ્વિતીય ક્રમ) હાંસલ કર્યું છે.

તાજેતરમાં વડોદરા ખાતે 17 અને 18 ઑક્ટોબર દરમિયાન યોજાયેલી આ સ્પર્ધાની ફાઇનલમાં વલસાડની ટીમે વડોદરા સામે આકરી ટક્કર આપી હતી. તા. 18 ઑક્ટોબરના રોજ યોજાયેલા અંતિમ મુકાબલામાં વલસાડની ટીમ માત્ર બે પોઇન્ટના નજીવા અંતરથી વિજય ચૂકતા રનર્સ-અપ બની હતી. સ્પર્ધા દરમિયાન વલસાડ જિલ્લા ટીમે ઉત્કૃષ્ટ ટીમવર્ક અને રમતદિલી દર્શાવી હતી. ફાઇનલ સુધી પહોંચવાના પોતાના પ્રવાસમાં વલસાડ ટીમે આણંદ, એમ. એસ. યુનિવર્સિટી (વડોદરા), મોરબી અને ગીર સોમનાથ જેવી મજબૂત ટીમોને હરાવીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

ટીમની આ સિદ્ધિ પાછળ ખેલાડીઓની મહેનત ઉપરાંત માર્ગદર્શકોનો મહત્વનો ફાળો રહ્યો હતો. વલસાડ જિલ્લા કબડ્ડી એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ પટેલ, સેક્રેટરી બાબુભાઈ બગરીયા, કોચ ભોયા શાંતિલાલભાઈ, ટીમ મેનેજર રાજુ ગાંગોડા અને આસિસ્ટન્ટ કોચ મિત સિંઘના નેતૃત્વ હેઠળ ટીમે આ સફળતા મેળવી હતી. આ ઉપરાંત ટીમને પ્રોત્સાહન પૂરું પાડવા બદલ સતીશ બારાત, ચૌધરી, સતીશભાઈ સહિત તમામ સહયોગીઓનો આભાર માનવામાં આવ્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here