ધરમપુર: આઝાદીના દાયકાઓ વિતી ગયા હોવા છતાં વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાનું ગનવા ગામ આજે પણ પ્રાથમિક અને પાયાની સુવિધાઓથી વંચિત રહેતા ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર બાબતે જાણીતા સામાજિક અગ્રણી ડો. નિરવ પટેલ દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી ગ્રામજનોને તાત્કાલિક ન્યાય આપવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.
ગનવા ગામ આંબોસી ગ્રુપ ગ્રામપંચાયત હેઠળ આવતું હોવા છતાં, આટલા વર્ષો પછી પણ ત્યાં ગ્રામપંચાયત ભવન, પાકા રસ્તાઓ અને કોઝવે જેવી માળખાકીય સુવિધાઓનો અભાવ છે. ગામના લોકોને સલામત રસ્તા, વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા, પીવાનું શુદ્ધ પાણી, સ્ટ્રીટલાઈટ, જાહેર પરિવહન અને બાળકો માટે યોગ્ય શિક્ષણ જેવી પાયાની જરૂરિયાતો માટે પણ વારંવાર સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે.કુંભકર્ણ નિદ્રામાં પોઢેલા વહીવટી તંત્રને જાગૃત કરવા અને આ ગંભીર જાહેરહિતના પ્રશ્નનો ઉકેલ લાવવા માટે કલેક્ટરશ્રી દ્વારા તાત્કાલિક કડક પગલાં લેવાય તેવી માંગણી ડો. નિરવ પટેલ અને ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે.
જર્જરીત શાળા અને બાળકોની સુરક્ષા અંગે મુખ્ય માંગણીઓ: ગનવા ગામના કસાડ ફળિયામાં આવેલી પ્રાથમિક શાળાનું મકાન અત્યંત જર્જરીત હાલતમાં છે અને ગમે ત્યારે ધરાશાયી થાય તેવી ભીતિ સેવાઈ રહી છે, જે બાળકોના જીવ માટે મોટું જોખમ છે. નવી શાળાના મંજૂરી અને બાંધકામની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી, માસૂમ બાળકોને અભ્યાસ માટે નજીકની શાળાએ સુરક્ષિત રીતે પહોંચાડવા વહીવટી તંત્ર દ્વારા પરિવહનની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. ગામમાં તાત્કાલિક ધોરણે રસ્તા, કોઝવે અને પીવાના પાણી સહિતની જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે.











