વલસાડ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જૂન 2022માં લોકાર્પણ કરવામાં આવેલી ‘એસ્ટોલ પાણી પુરવઠા યોજના’ આદિવાસી વિસ્તારોમાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. ધરમપુર અને કપરાડા તાલુકાના 174 ગામોને પીવાનું પાણી પૂરું પાડવાની મહત્વકાંક્ષી યોજના કાગળ પર તો પૂર્ણ થઈ ગઈ, પરંતુ વાસ્તવમાં સ્થાનિક આદિવાસી લોકો હજુ પણ પાણીની તંગીમાં જીવી રહ્યા છે.
સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ, ખેરગામના ગોલ્ડ મેડલિસ્ટ સર્જન અને યુવા લીડર ડો. નિરવ ભુલાભાઈ પટેલએ આ મુદ્દે પાણીપુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાને વિગતવાર રજૂઆત કરી છે. ડો. નિરવ પટેલે સ્થાનિક લોકો અને ટેક્નિકલ એક્સપર્ટ્સ પાસેથી મેળવેલી ગ્રાઉન્ડ લેવલની માહિતીના આધારે યોજનાની નિષ્ફળતાના મુખ્ય કારણો જણાવ્યા છે:
1. GWSSB અને ખાનગી એજન્સીઓની બેદરકારી: નબળા સુપરવિઝન અને તકનીકી ક્ષતિઓને કારણે યોજના કાર્યરત થઈ શકી નથી.
2. નબળી ગુણવત્તાવાળી પાઈપોનો વપરાશ: માઈલ્ડ સ્ટીલની પાઈપોના બદલે હલકી ગુણવત્તાની પાઈપો વાપરવામાં આવી હોવાથી વારંવાર લીકેજ થઈ રહ્યું છે.
3. પાણીની વાલ્વ વ્યવસ્થાનું અયોગ્ય સંચાલન: ગામ સ્તરે પાણી સમિતિઓ દ્વારા વાલ્વ નિયંત્રણ યોગ્ય રીતે થતું નથી.
4. વીજ પુરવઠાની સમસ્યા: અનિયમિત વીજ પુરવઠાને કારણે છેવાડાના ગામો સુધી પાણી પહોંચતું નથી.
5. વિભાગો વચ્ચે સંકલનનો અભાવ: GEB, GWSSB, WASMO અને એસ્ટોલ પ્રોજેક્ટ અધિકારીઓ વચ્ચે તાલમેલની કમી.
મુખ્ય માંગણીઓ:
• IIT અથવા કોઈ પ્રતિષ્ઠિત તૃતીય પક્ષ (Third Party Audit) દ્વારા તાત્કાલિક તપાસ કરાવવી.
• દોષિત ખાનગી એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા, તેમની સિક્યોરિટી જપ્ત કરવી અને તેમના ખર્ચે માઈલ્ડ સ્ટીલ પાઈપો બદલાવવી.
ડો. નિરવ પટેલે આશા વ્યક્ત કરી છે કે પાણીપુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા આ મુદ્દે ગંભીરતાથી વિચારીને કડક કાર્યવાહી કરશે જેથી ધરમપુર-કપરાડાના છેવાડાના ગરીબ આદિવાસી લોકોને પીવાના પાણીનો લાભ મળી શકે. આ યોજના સાથે જોડાયેલી સમસ્યાઓ વર્ષોથી ચાલી રહી છે અને સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વધુ વિકાસની રાહ જોવાઈ રહી છે.











