સંતરામપુર: આદિવાસી સમાજ માટે ગૌરવની વાત છે કે સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામના વતની દિવ્યાંગભાઈએ પ્રાથમિક શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરીને માત્ર 38 વર્ષની યુવાન વયે વર્ગ-૧ અધિકારી તરીકે પ્રમોશન મેળવીને ઉપસચિવ (ખેતી અને પશુપાલન વિભાગ) તરીકે પદભાર સંભાળ્યો છે. તેમની આ સફર પરિશ્રમ, સંસ્કાર અને અડગ આત્મવિશ્વાસનું જીવંત ઉદાહરણ છે.

દિવ્યાંગભાઈનો ઉછેર એક શૈક્ષણિક અને સંસ્કારી વાતાવરણમાં થયો છે. તેમના માતા-પિતા બંને વ્યવસાયે શિક્ષક રહી ચૂક્યા છે. પિતાશ્રીએ નિવૃત્તિ પહેલાં સંતરામપુર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (TPEO) તરીકે સેવા આપી હતી. ઘરમાં જ શિક્ષણ અને શિસ્તનો માહોલ હોવાથી બંને ભાઈઓએ ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરી છે. દિવ્યાંગભાઈએ બી.એસ.સી., બી.એડ. પૂર્ણ કર્યા બાદ શિક્ષણ ક્ષેત્રે પગ મૂક્યો, જ્યારે તેમના ભાઈ ડૉ. જૈમિનભાઈ એમ.ડી. બાળરોગ નિષ્ણાત તરીકે સંતરામપુર ખાતે ‘વિવાન હોસ્પિટલ’ ચલાવીને સેવા આપી રહ્યા છે.

દિવ્યાંગભાઈએ પોતાની કારકિર્દીની શરૂઆત ગડા ગામે પ્રાથમિક શિક્ષક તરીકે કરી હતી. નોકરીની સાથે સાથે તેઓ GPSC પરીક્ષાની તૈયારી કરતા રહ્યા. સમયના સચોટ આયોજન અને અથાગ મહેનતના પરિણામે તેમણે GPSC પાસ કરી અને સેક્શન અધિકારી તરીકે નિમણૂક મેળવી. સચિવાલયના વહીવટી તંત્રમાં કાર્યદક્ષતા અને નિષ્ઠાપૂર્વકની સેવા બદલ તેમને તાજેતરમાં ઉપસચિવ તરીકે પ્રમોશન મળ્યું છે. આ પ્રમોશન સાથે તેઓ ખેતી અને પશુપાલન વિભાગમાં ક્લાસ વન અધિકારી તરીકે જવાબદારીઓ સંભાળી રહ્યા છે.

યુવા પેઢી માટે પ્રેરણાસ્પદ ઉદાહરણ
ઉખરેલીથી શરૂ થયેલી આ સફર આજે ગાંધીનગર સચિવાલયના ઉચ્ચ હોદ્દા સુધી પહોંચી છે. એક સામાન્ય પ્રાથમિક શિક્ષક પણ પોતાની મહેનત અને સમર્પણથી રાજ્યના ઉચ્ચ વહીવટી સ્તરે પહોંચી શકે છે, તેનું જીવંત પ્રમાણ દિવ્યાંગભાઈ છે. સ્થાનિકો અને શૈક્ષણિક વર્તુળોમાં તેમની સિદ્ધિની ખૂબ પ્રશંસા થઈ રહી છે. તેઓ યુવાનોને સલાહ આપે છે કે “નોકરી કરવી હોય તો રાજકારણ અને રાજકારણીઓથી દૂર રહો, માત્ર અભ્યાસ પર ધ્યાન આપો.” ઉખરેલી ગામના ઘોડીયા ફળિયા સહિત આખા વિસ્તારમાં આ સમાચારથી હર્ષની લહેર છવાઈ ગઈ છે. આવા સંસ્કારી અને મહેનતુ યુવાનોના ઉદયથી આખા પંથકને ગૌરવની લાગણી થઈ રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here