વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામના ગારમાથા અને આંબાના પાડા જેવા ડુંગરાળ વિસ્તારોમાં ગંભીર પીવાના પાણીની અછત સામે આવી છે. ગ્રામજનોને ગંદુ પાણી ભરવા માટે લાંબા અંતર સુધી જવું પડે તેવી સ્થિતિ વચ્ચે વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને જિલ્લા પંચાયત સભ્ય નિકુંજ ગાવિત દ્વારા “જળયાત્રા” કાઢી સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
Decision News ને મળેલી જાણકરી મુજબ ગામના સરપંચ શુકરભાઈ, પંચાયત સભ્યો અને સ્થાનિક ગ્રામજનો સાથે ધારાસભ્ય ડુંગરાળ ફળિયાઓ સુધી પહોંચ્યા હતા. બપોરના કાળઝાળ તાપમાં મહિલાઓ માથે બેડાં મૂકી ગંદુ પાણી ભરતી નજરે પડતાં સમગ્ર પરિસ્થિતિ જોઈ લોકો વ્યથિત બન્યા હતા.
ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા “નળ સે જળ” જેવી યોજનાઓની મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ જંગલ અને ડુંગરાળ વિસ્તારોના અનેક ફળિયાઓમાં આજે પણ પીવાનું શુદ્ધ પાણી પહોંચ્યું નથી. કાગળ પર વિકાસ દેખાય છે પરંતુ હકીકતમાં ગ્રામજનો પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યાં સુધી ખાટાઆંબા સહિત આવા અંતરિયાળ વિસ્તારોમાં તાત્કાલિક પાણીની વ્યવસ્થા, હેન્ડપંપ અથવા કાયમી પાણી યોજના મંજૂર નહીં થાય ત્યાં સુધી “જળયાત્રા”, “સંઘર્ષ યાત્રા” અને “ન્યાય યાત્રા” ચાલુ રહેશે. આ જળયાત્રામાં સ્થાનિક આગેવાનો જીતેન્દ્રભાઈ, રાકેશભાઈ, છગનભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા











