વલસાડ: આજરોજ માત્ર છ સક્રિય રક્તદાતાઓના સહયોગથી 10 દર્દીઓને 19 યુનિટ વિરલ રક્ત આપીને વલસાડ રક્તદાન કેન્દ્રે માનવતાનું અદ્ભુત દાખલો બનાવ્યો છે. અડધી રાત્રે પણ રક્તદાતાના ઘરે પહોંચીને રક્તદાન મેળવવાની તૈયારી સાથે આ કેન્દ્ર મુંબઈથી સુરત સુધીના વિસ્તારમાં ‘બોમ્બે બ્લડ ગ્રુપ’ (Oh Phenotype) ધરાવતા દર્દીઓ માટે વિશ્વસનીય આશાનું કેન્દ્ર બની ગયું છે.

ભારતમાં લગભગ દર 10,000 વ્યક્તિઓમાં એક અને ગુજરાતમાં લાખોમાં માંડ એક વ્યક્તિમાં જોવા મળતા આ અત્યંત દુર્લભ રક્તજૂથમાં H Antigen હોતું નથી. તેથી સામાન્ય O પોઝિટિવ કે O નેગેટિવ રક્ત પણ આ દર્દીઓને આપી શકાતું નથી. માત્ર બોમ્બે બ્લડ ગ્રુપના રક્તદાતાનું જ રક્ત જીવનરક્ષક બની શકે છે. આવી જટિલ સ્થિતિમાં સમયસર રક્ત મેળવવું જીવન-મૃત્યુનો પ્રશ્ન બની જાય છે.

વલસાડ રક્તદાન કેન્દ્રે Fully Automatic Forward & Reverse Grouping, Antibody Screening, Cross Matching અને Rare Donor Registry જેવી આધુનિક સુવિધાઓ વિકસાવીને આ પડકારને પહોંચી વળ્યું છે. કેન્દ્રના માનદ મંત્રી ડો. વિશાલ મહેતા અને ડો. કમલ પટેલના નેતૃત્વમાં તકનીકી ટીમ ઝડપી પ્રતિસાદ અને સમર્પણથી કામ કરે છે. જરૂર પડે ત્યારે ટીમ 100થી 200 કિલોમીટર સુધીની મુસાફરી કરીને રક્તદાતાના ઘરે પહોંચે છે–અડધી રાત્રે પણ.

આ અદ્ભુત કાર્ય માટે સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ અને ખેરગામના ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલે વલસાડ રક્તદાન કેન્દ્રની ટીમ તથા તમામ વિરલ રક્તદાતાઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. 1952 માં મુંબઈમાં ડો. વાય. એમ. ભેંડે અને તેમના સાથીઓએ શોધેલા આ વિરલ રક્તજૂથ માટે વલસાડ રક્તદાન કેન્દ્ર સતત સેવા આપી રહ્યું છે અને અનેક જીવનોને મૃત્યુના મુખમાંથી બચાવી રહ્યું છે. આ કેન્દ્ર એક વારંવાર સાબિત કરી રહ્યું છે કે સમર્પણ અને આધુનિકતાના સંયોજનથી અશક્યને પણ શક્ય બનાવી શકાય છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here