માંડવી: આજરોજ માંડવી વદેશિયા ગ્રામપંચાયતના પ્રયાસોથી પંચાયત ભવન ખાતે “ધોરણ 10 અને 12 પછી શું?” વિષય પર એક માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પછીના વિવિધ અભ્યાસક્રમો, કારકિર્દીના વિકલ્પો તેમજ વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ તકો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
Decision news ને મળેલી જાણકારી મુજબ પુસ્તકાલયમાં તૈયારી કરતા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આયોજનબદ્ધ અને અસરકારક તૈયારી કેવી રીતે કરવી તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. હાર્દિકભાઈ પીરસી અને જીગ્નેશભાઈએ વિદ્યાર્થીઓને સરળ, પ્રેરણાદાયી અને વ્યવહારુ રીતે માર્ગદર્શન આપ્યું. તેમના વક્તવ્યોથી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસનો માહોલ જામ્યો હતો. ગ્રામપંચાયતના સરપંચશ્રી મિતલ વિલાસભાઈ ચૌધરીની આગેવાની હેઠળ આયોજિત આ સેમિનારમાં શિક્ષણ અને યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા સ્પષ્ટ જોવા મળી.
સેમિનારમાં “શિક્ષિત યુવા — મજબૂત ગામ”ના સંકલ્પ સાથે વદેશિયા ગ્રામપંચાયત વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે સતત કાર્યરત રહેશે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આવા કાર્યક્રમો ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને યોગ્ય દિશા આપવા અને તેમના સપનાઓને વાસ્તવિકતામાં બદલવા માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે.











