માંડવી: આજરોજ નેશનલ હાઇવે નંબર 56 હેઠળ ચાલી રહેલી જમીન સંપાદન પ્રક્રિયા સંદર્ભે સ્થાનિક સ્તરે ઉભી થયેલી ગેરસમજો અને પ્રશ્નોના નિરાકરણ માટે મામલતદાર કચેરી, માંડવી તાલુકાના સભાખંડમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
બેઠકમાં વહીવટી અધિકારીઓ, સંપાદન વિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો, ખેડૂતો અને અસરગ્રસ્ત જમીન માલિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન જમીન સંપાદનની વર્તમાન સ્થિતિ, માપણીની કાર્યવાહી, વળતરની ગણતરી અને સરકારની માર્ગદર્શિકા અનુસાર થઈ રહેલી પ્રક્રિયા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે સમગ્ર સંપાદન પ્રક્રિયા પારદર્શક અને નિયમાનુસાર ચાલી રહી છે. તેમણે ઉપસ્થિત લોકોની વિવિધ ગેરસમજો દૂર કરવાનો પ્રયાસ કર્યો અને પ્રક્રિયા વિશે વિગતવાર સમજ આપી હતી.
બેઠકમાં ખેડૂતો અને સ્થાનિક આગેવાનોએ વળતરની રકમ, જમીન માપણી, દસ્તાવેજી કાર્યવાહી અને અસરગ્રસ્ત પરિવારોને થતી મુશ્કેલીઓ અંગે પોતાના પ્રશ્નો, સૂચનો અને રજૂઆતો અધિકારીઓ સમક્ષ મૂકી હતી. અધિકારીઓએ તમામ મુદ્દાઓના નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ અસરગ્રસ્ત લોકોને સાચી માહિતી પૂરી પાડવી, ગેરસમજો દૂર કરવી અને જમીન સંપાદનની પ્રક્રિયા સુચારૂ, પારદર્શક તેમજ સહમતિપૂર્ણ રીતે આગળ વધે તે સુનિશ્ચિત કરવાનો હતો.











