નવસારી: આઝાદીના 79 વર્ષ પછી પણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પીવાના પાણીની તીવ્ર કટોકટી અને રસ્તાઓની જડબેસલાક હાલતને લઈને સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ અને ખેરગામના પ્રખ્યાત ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો. નિરવ ભુલાભાઇ પટેલએ મુખ્યમંત્રી સમક્ષ તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે.

ડો. પટેલે ખેરગામ, ધરમપુર, કપરાડા અને ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારોના ગ્રાઉન્ડ લેવલના અહેવાલ અને સ્થાનિકોની રજૂઆતોના આધારે મુખ્યમંત્રી તેમજ વલસાડ, નવસારી અને ડાંગના કલેક્ટરોને વિસ્તૃત રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે ભર ઉનાળામાં આ વિસ્તારોમાં લોકોને જાનવરો પણ ન પીએ તેવા ખાબોચિયાઓના ગંદા પાણી પીવા મજબૂર બનવું પડે છે. અનેક ગામોમાં કિલોમીટરો દૂરથી પાણી લાવવા માટે કલાકો સુધી પગપાળા ચાલવું પડે છે, જેના કારણે ઘરના 1-2 સભ્યો માત્ર પાણીની જ વ્યવસ્થા કરવામાં રોકાઈ જાય છે.

ડો. પટેલે કહ્યું, “૧૯મી સદીમાં જીવતા હોય તેવી સ્થિતિ આદિવાસી વિસ્તારોમાં છે. વિકસિત રાજ્ય તરીકે ઓળખાતા ગુજરાત માટે આ ખૂબ જ શરમજનક છે.” તેમણે ઉમેર્યું કે આદિવાસી વિસ્તારોમાં શિક્ષણના ડ્રોપઆઉટ, ગુણવત્તા અને કુપોષણની સમસ્યા પણ ગંભીર છે અને પાણીના અભાવે લોકો મજૂરી કામે પલાયન કરી રહ્યા છે, જેના કારણે ગ્રામ્ય અર્થવ્યવસ્થા મજબૂત બની શકતી નથી.

મુખ્ય માંગણીઓ:
• ઉનાળો પૂરો થાય ત્યાં સુધી આદિવાસી વિસ્તારોમાં સરકાર દ્વારા વિનામૂલ્યે ટેન્કરો દ્વારા નિયમિત પાણી પુરું પાડવું.
• નાના ચેકડેમ, પાતાળ કૂવા અને મોટા ટાંકાઓનું નિર્માણ.
• ઉકાઈ અને કાકરાપાર નહેર યોજનાનું પાણી પાટી, કાકડવેરી, પાણીખડક, ધામધૂમા, નડગધરી, જામનપાડા, તોરણવેરા વગેરે ગામો સુધી લંબાવવું.
• રસ્તાઓની સ્થિતિ સુધારવી, ખાસ કરીને માકડબન, મેંણધા, મોહનાકૌચાળી, તીઘરા વગેરે વિસ્તારોમાં.

ડો. પટેલે વધુમાં માંગ કરી છે કે વિવિધ પાણી યોજનાઓનું ઓડિટ કરવામાં આવે અને કાળા કૌભાંડ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી, વ્યાજ સાથે વસૂલાત કરવામાં આવે. સ્થાનિક આદિવાસીઓએ પણ આ સમસ્યાઓને તાત્કાલિક ઉકેલવા સરકાર પાસે અપીલ કરી છે. આ મુદ્દે હવે સરકાર તરફથી શું પગલાં લેવામાં આવે છે તેના પર તમામની નજર છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here