જામનગર: જડેશ્વર પાર્ક વિસ્તારમાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC) દ્વારા 14 મે 2026ના રોજ હાથ ધરવામાં આવેલી ડિમોલિશન કાર્યવાહીમાં ૪૦ વર્ષ જૂનું વૃદ્ધ દંપતી નંદુબા અને નારણબાપાનું મકાન તોડી પાડવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન વૃદ્ધ દંપતીના વિરોધ અને લાચારીના હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા છે.
નંદુબાએ કાર્યવાહી વખતે તીવ્ર વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું, “મારે મકાન, પ્લોટ કે પૈસા નથી જોતાં, મારે ન્યાય જોઇએ છે!” તેઓ 40 વર્ષથી આ જગ્યાએ રહેતાં હતાં અને દાવો કરે છે કે તેમણે આ જમીન શાંતિભાઈ કણઝારિયા (શાંતિલાલ) પાસેથી વેચાણ લીધી હતી. તેમની પાસે આ વેચાણનું લખાણ (તૂટેલી હાલતમાં) છે.
મુખ્ય પ્રશ્નો ઊભા થયા:
• જો આ જમીન સરકારી (કલેક્ટર તાબા હેઠળ) છે, તો શાંતિભાઈએ તે વેચી કેવી રીતે? વેચનાર વિરુદ્ધ છેતરપિંડીની FIR નોંધવામાં કેમ આવી નથી ?
• જમીન કલેક્ટરના તાબામાં હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશને ડિમોલિશનની કાર્યવાહી કેમ કરી? કોના આદેશથી ?
• કાર્યવાહી દરમિયાન નંદુબાને ટીંગાટોળી કરીને લઈ જવામાં આવી. પોલીસ કર્મચારીઓ યુનિફોર્મમાં ન હતા, જેથી પીડિત નાગરિકને ખબર ન પડે કે તેઓ અધિકારીઓ છે કે અન્ય.
નંદુબા આહિર સમાજના ગરીબ પરિવારનાં છે. આહિર સમાજના કેટલાક નેતાઓની ચૂપ્પીની ટીકા થઈ રહી છે, જ્યારે સમાજના સંવેદનશીલ યુવાનોએ નંદુબા-નારણબાપાને મદદ કરવા આગળ આવ્યા છે, જે પ્રશંસનીય છે. મનપાના અધિકારીઓનું કહેવું છે કે આ જગ્યા સરકારી જમીન પર ગેરકાયદે કબજો હતો અને અંદાજે 3.50 કરોડની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી છે. જોકે, 40 વર્ષથી વસવાટ કરતા ગરીબ વૃદ્ધ દંપતીના કિસ્સામાં માનવીય દૃષ્ટિકોણ અને કાયદાકીય પ્રક્રિયાની વાત સામે આવી રહી છે.
આ ઘટનાએ ફરી એક વાર ગરીબોના માથે છાપરું અને વિકાસ વચ્ચેના સંઘર્ષને રેખાંકિત કર્યો છે. જાતિ, ધર્મ કે રાજકીય ભેદભાવને બાજુ પર રાખીને ન્યાય અને માનવતાની માંગ ઊઠી છે. હાલમાં આ મામલે વધુ તપાસ અને કાયદાકીય કાર્યવાહીની માંગ થઈ રહી છે.
BY: રમેશ સવાણી











