બારડોલી: બારડોલી તાલુકાના નાની ભટલાવના સરપંચ અંકિત ચૌધરીએ ગૌરવ અને આનંદ સાથે જણાવ્યું છે કે ગામની લાઈબ્રેરીમાંથી 9 વિદ્યાર્થીઓએ રેવન્યુ તલાટી (વર્ગ-૩) પરીક્ષાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન સુધી પહોંચીને નોંધપાત્ર સફળતા મેળવી છે.
સરપંચ અંકિત ચૌધરીએ કહ્યું, “આ અમારી લાઈબ્રેરી માટે અત્યંત ગૌરવ અને આનંદની ક્ષણ છે. વિદ્યાર્થીઓએ પોતાની મહેનત, લગન અને અડગ સંકલ્પના બળે આ સફળતા હાંસલ કરી છે. તેમની આ સિદ્ધિ વ્યક્તિગત નથી, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે લાઈબ્રેરી દ્વારા વિદ્યાર્થીઓને અનુકૂળ અભ્યાસ વાતાવરણ, સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આના પરિણામે અનેક યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી રહ્યા છે. સરપંચે સમાજના સહયોગ અને વિદ્યાર્થીઓની સતત મહેનતની પ્રશંસા કરતાં આશા વ્યક્ત કરી કે આવનારા સમયમાં વધુને વધુ યુવાનો સરકારી નોકરીઓમાં સ્થાન મેળવશે અને ગામ તેમજ સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ સફળતા ગ્રામીણ વિસ્તારોમાં લાઈબ્રેરી અને અભ્યાસના મહત્વને રેખાંકિત કરે છે અને અન્ય યુવાનોને પણ પ્રેરણા આપે છે.











