ડેડીયાપાડા: ગંગાપુર તાલુકા પંચાયતમાં આવતા તુંબડાવાડી ગામની આજે આમ આદમી પાર્ટીના આગેવાનોએ મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં નવ નિર્માણ ચિકદા તાલુકાના જિલ્લા પંચાયત સભ્ય ઘેમસીંગભાઈ અને ગંગાપુર તાલુકા પંચાયત સભ્ય જયદીપભાઈ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ગામના લોકો સાથે વાતચીત કરતાં આગેવાનોએ જાણ્યું કે આશરે 600 વસ્તીવાળા આ ગામમાં મૂળભૂત સુવિધાઓની અત્યંત કમી છે. ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી, જેના કારણે લોકોએ કોતેડા પાસેથી પાણી લાવીને પીવાની મજબૂરી છે. ગામમાં રસ્તાઓની સુવિધા ન હોવાથી ઈમરજન્સી સેવાઓ પણ પહોંચી શકતી નથી.
શિક્ષણ અને બાળ વિકાસની દયનીય સ્થિતિ: ગામમાં આશરે 70-80 છોકરાઓ ભણવાની ઉંમરના છે, પરંતુ ગામમાં સ્કૂલની સુવિધા જ નથી. તેવી જ રીતે આંગણવાડીમાં જતા આશરે 30 બાળકો હોવા છતાં આંગણવાડી કેન્દ્ર પણ નથી.
કૃષિ અને વીજળીની સમસ્યા: ગામમાં સિંચાઈના કોઈ સાધનો ન હોવાથી ખેતી માત્ર ચોમાસાની ઋતુમાં જ થઈ શકે છે. આજુબાજુના ગામ દુધલીવેરના ખેડૂતોની વીજલાઇન તુંબડાવાડીમાંથી પસાર થાય છે, તેમ છતાં આ ગામમાં વીજળીની સુવિધા નથી.
ઘર અને દસ્તાવેજી સમસ્યાઓ: ગામના તમામ ઘરો કાચા અને ઝૂંપડપટ્ટી જેવા છે. જંગલ વિભાગ ઘરો બનાવવા દેતું નથી. અત્યારે ૧૩૦ જેટલા ઘરો છે, જ્યારે અન્ય ઘરોને જંગલ ખાતાએ સળગાવી દીધા હોવાનું ગામલોકોનું કહેવું છે. ૭૧ લોકોના આધારકાર્ડ બનેલા છે, પરંતુ રાશનકાર્ડ અને ઘરવેરાની પાવતી જેવા મૂળભૂત દસ્તાવેજો પણ નથી. જંગલ વિભાગ દ્વારા નાની-નાની વસ્તુઓમાં પણ હેરાનગતિ કરવામાં આવતી હોવાની ફરિયાદો પણ ગામલોકોએ કરી હતી. આપ આગેવાનોએ ગામની આ દયનીય સ્થિતિનો અભ્યાસ કરીને તાત્કાલિક રાહત અને વિકાસના કાર્યો માટે સંબંધિત અધિકારીઓને અરજી કરવાની તૈયારી દર્શાવી છે.











